સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારની બૂમો અને પુરાવાઓ સામે આવતા હોય છે, જેમાં માર્ગ અને મકાન હોય કે પછી રેવન્યું કે પછી પંચાયત… લોકોમાં ચર્ચાઓ તો એવી ચાલી રહી છે કે, હવે તો કોઈ વિભાગ બાકી નથી કે, જ્યાં લેતી-દેતી ન થતી હોય. અરવલ્લી જિલ્લામાં દિવાળીના માહોલ પછી હવે સેજા દીઠ હજારો રૂપિયા ઉઘરાવવાની વાતો વહેતી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દિવાળી હાલમાં પૂર્ણ થઈ છે પણ હજુ અધિકારીઓનું બાકી લેણું નથી પત્યું કારણ કે, સુપરવાઈઝર ને મધ્યસ્થી બનાવી સેજા દીઠ હજારો રૂપિયાની માંગણી કરવામાં આવી છે, જોકે સમગ્ર મામલો ચર્ચામાં આવતા હવે નાના કર્મચારીઓના પગતળેથી જમીન સરકી જવા પામી છે. સરકાર અધિકારીઓને લાખો રૂપિયા પગાર સાથે તમામ સુવિધાઓ આપતી હોય છે, પણ આવા લાલચુ અધિકારીઓના પેટ ન ભરાતા હોય તેવું સ્પષ્ટ લાગે છે. આવા લાલચુ અધિકારીઓ નાના કર્મચારીઓ પાસેથી રીતસરના ઉઘરાણાં કરે છે.
પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના એક વિભાગમાંથી એવો આદેશ થયો કે, જિલ્લાના તમામ તાલુકાના અને ગ્રામ્ય કક્ષાના સેજા દીઠા રૂપિયા આપવાના છે, એટલું જ નહીં તેની રકમ પણ લગભગ હજારો છે. પહેલા આ વાત સિમિત કર્મચારીઓ સુધી જ હતી, જોકે હવે ધીરે ધીરે વાત પ્રસરી રહી છે અને નાના કર્મચારીઓ આર્થિક ભાર સહન ન કરતા વાત પરપોટાની જેમ ફૂટી જતાં હવે સામે આવી રહી છે. એટલું જ નહીં આ સમગ્ર મામલો લોકનેતા પાસે પણ પહોંચ્યો હતો, જોકે આ મામલે શું થયું તે હજુ જાણી શકાયું નથી.