મેઘરજ ખાતેથી રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા એ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો.
ભિલોડા ખાતેથી ધારાસભ્ય પી.સી.બરંડા એ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો.
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓની જાણકારી આપવા અને યોજનાનો લાભ બાકી રહેલા લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ છે. આ અભિયાનમાં કેટલીક મહત્ત્વની યોજનાઓ પર વધુ ભાર મૂકવામાં આવશે અને તેમજ પ્રચાર પ્રસાર કરાશે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડાથી ભારત સરકાર દ્વારા જન માણસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા પ્રયાસના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
સરકારની વિવિધ યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચાડવાનો સરકારનો મક્કમ નિર્ધાર છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમાજના તમામ વર્ગના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા અને તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં ચાવીરૂપ સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારનો નિર્ધાર છે કે તમામ નાગરિકો સુધી આવાસ, પાણી, વીજળી, સ્વાસ્થ્ય, સ્વરોજગાર વગેરે પાયાની સુવિધાઓ પહોંચે. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. મહાનુભાવોએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ કર્યું હતું. ઉપસ્થિત તમામને વિકસિત ભારત શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેઘરજ ખાતે રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારા, જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક અને ભિલોડા ખાતે ધારાસભ્ય પી. સી. બરંડા, જીલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા તેમજ મેઘરજ અને ભિલોડાના પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા