ભિલોડા તાલુકાના ચૌધરી સમાજના શ્રી દક્ષિણ બારેશી આંજણા (ચૌધરી) પટેલ સમાજનો ૧૮મો સમૂહ લગ્નોત્સવ શંકરપુરા પટેલ સમાજ વાડી ખાતે સંપન્ન થયો હતો.સમાજના ૧૪ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.શાસ્ત્રી અને ભૂદેવના શ્રીમુખે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન, વેદોકત મંત્રોચ્ચાર, અગ્નિની સાક્ષીએ નવજીવન માટે સમાજના વડીલો અને સગા-સ્નેહીઓની ઉપસ્થિતિમાં નવદંપતીઓના સમૂહ લગ્ન સંસ્કાર વિધિ સંપન્ન થયા હતા.ધોલવાણી ગામના સંત શિરોમણી રામજી બાપાએ આશીર્વાદ આપતા સૌને સંસ્કારી, પ્રામાણિક, ત્યાગ, બલિદાન, સેવા અને સંપથી જીવન જીવવાની શીખ આપી નવદંપતીઓ નું જીવન સુખમય બને એવા મંગલ આશીર્વાદ આપ્યા હતા.સમાજ વાડીના વિકાસ માટે દાન આપનાર દાતાઓ નું આ તબક્કે સન્માન કર્યું હતું.સમાજને આર્થિક રીતે પાછળ લઈ જતા કુરિવાજો નાબૂદ કરવા સૌ-કોઈ આગેવાનોએ હાકલ કરી હતી.આગામી સમયમાં સમાજ વાડી માટે કોમ્યુનિટી હોલ, ભોજન માટે શેડ, પ્રોટેક્શન વોલ તેમજ વિશેષ વિકાસ માટે દાતાઓએ સુંદર સહયોગ આપ્યો હતો.દાતા સન્માનની બેઠકમાં સમાજ વતી કાંતિલાલ એસ.પટેલે સૌને આવકારી વર્તમાન સમયમાં સમૂહ લગ્નોત્સવની યથાર્થતા પર ભાર મૂક્યો હતો.કાર્યક્રમ નું સંચાલન પ્રો. ડો.અરવિંદ એસ.પટેલ, આભાર-વિધિ ભરતભાઈ એન.પટેલે કરી હતી.ભોજન દાતા તરીકે ખુમાપુરના રઘજીભાઈ પટેલે પોતાની દાતારીનો પરિચય કરાવ્યો હતો.દાતા અશોકભાઈ – ખિલોડા, ધીરૂભાઈ, સ્વ. રમીલાબેન પ્રભુદાસ પટેલ, રાજેન્દ્રનગર, લવજીભાઈ, ધીરજભાઈ, કોકીલાબેન પટેલ – મોંધરી, સમૂહ લગ્નોત્સવ નિમિત્તે વિવિધ ચીજ – વસ્તુઓ, ભેટના દાતાઓ નું ફુલછડી, શાલ આપી સન્માન કર્યું હતું.સમાજના પ્રમુખ હીરાભાઈ વાઘજીભાઈ પટેલ, મંત્રી કચરાભાઈ પટેલ, સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ શાંમળભાઈ પટેલ, મંત્રી અશોકભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, સરપંચ અશોકભાઈ પટેલ, શંકરપુરા, સમાજના યુવાનો, વડીલોએ ખૂબ જ સુંદર આયોજન કરી સમાજનો રાજીપો અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.