બાયડ દહેગામ માર્ગ પર ભજપુર ગામનો યુવાન સંબંધી બાયડ હોસ્પિટલમાં દાખલ હોવાથી રાત્રિના સમયે ટિફિન આપવા નીકળ્યો હતો તે સમયે વાંટડા સીએનજી પમ્પ નજીક કોઈ જાનવર બાઈક સાથે ભટકાતાં બાઇક સવાર રોડ ઉપર પટકાઈ જતાં ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના ભજપુર ગામનો યુવાન વિષ્ણુસિહ રમતુંસિહ પરમાર ઉં.વ.25 બાઈક લઈને બાયડ ખાતે ખાનગી હોસ્પિટલમાં તેના સંબંધી સારવાર હેઠળ હોવાથી ખબર અંતર પુછવા અને ટિફિન આપવા નીકળ્યો હતો. ત્યારે બાયડ-દહેગામ માર્ગ પર વાંટડા સીએનજી પંપ નજીક બાઈક રોઝ અથવા ભુંડ જેવા જાનવર સાથે અથડાતાં બાઈક સવાર રોડ પર પટકાયો હતો. બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં વિષ્ણુસિહનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
બાયડ-દહેગામ માર્ગ પર જાનવર સાથે ભટકાવાથી અકસ્માત સર્જાતાં બાઈક સવાર વિષ્ણુસિંહ રમતુસિંહ પરમાર રહે.ભજપુર તા. બાયડ જી.અરવલ્લીનું મોત નીપજતાં હાઇવે પર રાત્રિના સમયગાળા દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળી હતી આજુબાજુના ગામોના રહીશોને અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં આંબલીયારા પોલીસે ઘટના સ્થળે આવી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.