અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ
જિલ્લાના ૧૦૪૭ મતદાન મથકો પરથી ૮,૩૯,૩૨૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
અરવલ્લી જિલ્લા કલેક્ટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી- મોડાસા ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.જિલ્લામાં આદર્શ આચારસંહિતના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતા તા. ૧૬ માર્ચ-૨૦૨૪થી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. જેમાં જિલ્લામાં પોસ્ટર, બેનર્સ અને હોર્ડિગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.
આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ મતદાર સંબંધી હેલ્પલાઇન “સી-વિઝીલ” મોબાઇલ એપથી પણ ફરીયાદ કરી શકાશે જેમાં ૧૦૦ મિનિટમાં ફરીયાદનું નિવારણ કરાશે તેમ તેમણે જણાવ્યું હતુ. આ ઉપરાંત ૧૯૫૦ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાશે.
અરવલ્લી જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારોનો સમાવિષ્ટ થાય છે જેમાં ભિલોડામાં વિધાનસભા વિસ્તારમાં ૪૦૦ , મોડાસામાં ૩૧૬ અને બાયડમાં ૩૩૧ મળી કુલ ૧૦૪૭ મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના ૪,૨૭,૧૪૧ પુરૂષ, ૪,૧૨,૧૬૨ સ્ત્રી તેમજ ૨૨ અન્ય એમ મળી જિલ્લાના કુલ ૮,૩૯,૩૨૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.૦૭ મે ૨૦૨૪ના રોજ કરશે જેમાં ૧૮૪૫૦ મતદારો ૮૦+ ઉંમરના ૨૧૯ મતદારો ૧૦૦+ ઉંમરના અને ૫૪૬૮ દિવ્યંગો મતદાન કરશે. આ સાથે જ ૨૩,૮૯૨ યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જિલ્લામાં ૨૧ સખી મતદાન મથકોમાં મહિલા કર્મચારીઓ કામગીરી કરશે.આ ઉપરાંત જિલ્લામાં ૧ યુવા કર્મચારી મતદાન મથકની રચના કરાશે. આ સાથે જ દરેક વિધાનસભા દીઠ ૧ દિવ્યાંગ સ્ટાફ સંચાલિત અને ૧ મોડેલ મતદાન મથક પણ કાર્યરત કરાશે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪ જાહેર થતાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની વિગતો મુજબ અરવલ્લી જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પાડવાની તારીખ તા.૧૨ એપ્રિલ ૨૦૨૪, ઉમેદવારીપત્રકો ભરવાની છેલ્લી તા.૧૯ એપ્રિલ ૨૦૨૪, ઉમેદવારીપત્રકોની ચકાસણીની તા.૨૦ એપ્રિલ ૨૦૨૪ , ઉમેદવારીપત્રક પરત ખેંચવાની છેલ્લી તા.૨૨ એપ્રિલ ૨૦૨૪ રહેશે. તા.૦૭ મે ૨૦૨૪ના રોજ મતદાન અને તા.૦૪ જૂન ૨૦૨૪ના રોજ મતગણતરી થશે. ચૂંટણી પ્રક્રિયા તા.૬ જૂન ૨૦૨૪ના રોજ પૂર્ણ થશે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા ફરિયાદ નિવારણ કમિટી તથા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જિલ્લા ખર્ચ નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વિડીયો સર્વેલન્સ-વ્યૂઇંગ, ફ્લાઇંગ સ્કવોડ, સ્ટેટિક સર્વેલન્સ, એકાઉન્ટીંગની ટીમ કામગીરી કરશે.આ વિધાનસભા ચૂટણીતંત્રે નવિન પહેલ કરતા દિવ્યાંગ અને વયોવૃધ્ધ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ છે જેમાં ફોમ નં ૧૨ ડી ભરીને આ સુવિધાનો લાભ લઇ શકશે.જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પરીકએ ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કૂચારા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિશાલ પટેલ, સહાયક માહિતી નિયામક નિધિ જયસ્વાલ સહિત ચૂંટણી સંબંધિત અધિકારી-કર્મચારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.