ભિલોડા,તા.૨૧
૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભિલોડા તાલુકાના ચુનાખાણ ગામની ચુનાખાણ પ્રાથમિક શાળામાં ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.બાળકોએ ચકલી વિશે માહિતીસભર વક્તવ્યો રજૂ કર્યા હતા.વિશ્વ ચકલી દિવસની થીમ પર સુંદર રંગ-બેરંગી કલ્પના ચિત્રો તૈયાર કર્યા ચકલી બચાવો, જીવન બચાવો નો શુભ સંદેશ ગુંજતો કર્યો હતો.આંગણાનું પ્યારૂ પક્ષી ચકલી વિશે સુંદર ગીતો ગવડાવ્યા હતા.પ્રોજેક્ટ કાર્ય થકી ખોખાંમાંથી માળા બનાવ્યા અને બાંધ્યા હતા.ચકલી માટે પાણી પરબ પણ બનાવી હતી.પ્રવૃત્તિમાં ભાગ લેનારા બધા જ બાળકોને ભાયાવદર સૌરાષ્ટ્રના ચકલી પ્રેમી નરેન્દ્ર ફળદુ અને સાથી ઈકો ફ્રેન્ડલી ગૃપના સભ્યો દ્વારા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.ગ્રુપે બોક્ષમાંથી તૈયાર કરેલા માળાનું નિદર્શન કરાવી શાળાના આચાર્ય શરદ બારોટે ચકલી વિશેની રસપ્રદ માહિતી આપી હતી.શિક્ષણવિદ્ જયંતીભાઈ બળેવિયા એ બાળકોને પર્યાવરણની જાળવણીમાં આપણું યોગદાન વિશે પ્રેરક માહિતી આપી સ્વગૃહે માળો બાંધવા સંકલ્પ લેવડાવ્યો હતો.શિક્ષકો અને ઈકો ક્લબના સભ્યો, બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.