દેશમાં લોકસભાની ચુટણી યોજાવાની છે તેની વચ્ચે ગુજરાતમાં પાછલા દિવસોથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને દિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમા રહેતા ક્ષત્રિય સમાજમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જીલ્લામાં પણ હવે ક્ષત્રિય કરણીસેના દ્વારા પૂરૂષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામા આવ્યો છે. જેને લઈને જીલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર આપીને સમાજને લઈને આપવામા આવેલા નિવેદનને ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા વખોડી કાઢવામા આવ્યુ હતુ
જીલ્લા વહીવટીતંત્રને આપેલા લેખિત આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે આગામી લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમભાઈ રૂપાલા ધ્વારા એક જાહેર સભામાં ક્ષત્રિય રાજપુત સમાજને અપમાનીત કરતા શબ્દો ઉચ્ચારવામાં આવ્યો હતો,જેને લઈને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવી છે. જેના કારણે સમાજમાં તેના તિવ્ર પ્રત્યાઘાતો પડયા છે. ખરી હકીકતે, ક્ષત્રિય રાજપૂત સમાજે ભારત દેશની એકતા અને અખંડીતતા માટે પોતાનુ સર્વસ્વ સમર્પિત કરીને દેશના 562 જેટલા રજવાડાઓ સોંપી દીધા હતા. જેમાં ગુજરાતના પણ તમામ રજવાડાઓનો સમાવેશ થાય છે. આમ, સમગ્ર સમાજે દેશની લોકશાહી માટે મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું છેભારત દેશની એકતા અને અખંડીતતા માટે સમગ્ર ક્ષત્રિય રાજપૂત રજવાડાઓ મહત્વનું બલીદાન આપીને દેશની આઝાદીને સાર્થક કરી લોકશાહીની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપેલ હોવાછતા, ચૂંટણી ટાણે માત્ર મત મેળવવાની ઘેલછામાં આવા બિનજવાબદાર નિવેદનોને કારણે સમગ્ર સમાજમાં ભારે રોષ વ્યાપેલ જોવા મળી રહ્યો છે.આવા નિવેદનોને અમો સખત રીતે વખોડી કાઢીએ છીએ. તેમ આવેદનપત્રમા જણાવા આવ્યુ હતુ. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.