જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના વતન જોધપુરમાં ઈદ અને તેની પૂર્વ સંધ્યાએ બે સમુદાયો વચ્ચે અથડામણ થયા બાદ રાજસ્થાન પોલીસે કુલ 11 કેસ નોંધ્યા છે જ્યારે અત્યાર સુધીમાં 97 લોકોની ધરપકડ કરી છે.
ઉદય મંદિર અને નાગોરી ગેટ સહિત જોધપુરના કેટલાક ભાગોમાં કર્ફ્યુ ચાલુ છે, જ્યારે અફવાઓ ફેલાતા રોકવા માટે ઇન્ટરનેટ બંધ છે.
જાલોરી ગેટ સર્કલ પર ઈદના ઝંડા લગાવવાને લઈને અથડામણ થઈ હતી, જેના કારણે સોમવારે રાત્રે પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે સોમવારે રાત્રે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો.
જોધપુરમાં ત્રણ દિવસીય પરશુરામ જયંતિ ઉત્સવ ચાલી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
મુખ્યમંત્રી ગેહલોતે હિંસામાં ભાજપની ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો છે. “આ ભાજપનો એજન્ડા છે કારણ કે મોંઘવારી, બેરોજગારી ખૂબ વધી ગઈ છે, તેઓ તેને નિયંત્રિત કરી શકતા નથી. તેથી, તેઓ ધ્યાન ભટકાવવા માટે જાણી જોઈને આ કરી રહ્યા છે,” તેમણે કહ્યું.
દિલ્હી, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશભરમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાની શ્રેણીમાં આ અથડામણો નવીનતમ છે.
કલમ 144 લાગુ
જોધપુરના જલોરી ગેટ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જાલોરી ગેટ સિવાય અન્ય 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. ADGના જણાવ્યા અનુસાર, આજે રાત્રે 12 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. આ દરમિયાન દૂધ, દવાઓ અને આવશ્યક સેવાઓનો પુરવઠો ચાલુ રહેશે. તે જ સમયે, ‘બોર્ડના વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ બતાવીને પરીક્ષામાં જવા દેવામાં આવશે. જણાવી દઈએ કે જોધપુર હિંસા કેસમાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે.