આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા અને ધુરીના ઉમેદવાર ભગવંત માનની જીત થઇ છે. ભગવંત માન 50 હજાર કરતા વધુ મતથી જીત્યા છે. ભગવંત માનને 78 હજાર કરતા વધારે મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના દલવીર સિંહ ગોલ્ડી બીજા નંબર પર રહ્યા હતા.
પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને કહ્યુ કે, આપણે બધા એક સાથે મળીને સેવા કરીશુ, જેવી રીતે વોટ નાખ્યા છે તેવી રીતે જ એકજુટ થઇને પંજાબને ચલાવીશુ. પંજાબ પહેલા મહેલોથી ચાલતુ હતુ, હવે પંજાબ ગામમાંથી જ ચાલશે. જેટલા મોટા નામ હતા, બધા હારી રહ્યા છે. અમે લખીને આપ્યુ હતુ કે ચન્ની સાહેબ હારી રહ્યા છે, તે થઇ ગયુ છે.
ભગવંત માને કહ્યુ કે સરકાર બન્યા બાદ અમારી પ્રથમ કલમ બેરોજગારીને દૂર કરવા માટે ચાલશે. આપણે યુવાઓને રોજગાર આપવાનો છે. તમે મારી ઉપર વિશ્વાસ રાખો, તમને એક મહિનામાં જ અંતર જોવા મળવા લાગશે. ભગવંત માને કહ્યુ કે પંજાબના કોઇ પણ કાર્યાલયમાં મુખ્યમંત્રીની તસવીર નહી લાગે, માત્ર ભગત સિંહ અને બાબા સાહેબ આંબેડકરની તસવીર લાગશે.
ભગવંત માને જાહેરાત કરી છે કે તે રાજભવન નહી પણ ખટકર કલાંમાં શપથ લેશે. મહત્વપૂર્ણ છે કે ખટકર કલાં શહીદ એ આઝમ ભગતસિંહનો ગૃહ જિલ્લો છે.