39 C
Ahmedabad
Monday, May 6, 2024

જાણો શુ છે ‘વિપરીત રાજયોગ’ જે નબળી કુંડળીને પણ બનાવે છે બળવાન


અમને યાદ છે કે વર્ષો પહેલા એક ભાઈ એમની જન્મકુંડળી બતાવવા આવેલા સાવ લઘરવઘર કપડાં અને નિરાશ ચહેરો. તેમની વાતચીત અને વ્યવહાર પરથી સ્પષ્ટ લાગતું હતું કે ગ્રહોએ અને કુદરતે તેમની સાથે ઘોર અન્યાય કર્યો છે. તેમની મિથુન લગ્નની કુંડળીમાં તેમના ભાગ્ય સ્થાનનો માલિક શનિ ગ્રહ બારમે વૃષભ રાશિમાં બેઠો હતો. જ્યોતિષના સામાન્ય નિયમ મુજબ કોઈપણ સ્થાનનો માલિક ગ્રહ જો બારમે હોય તો ખરાબ ફળ આપે. આ સામાન્ય થીયોરીનો ઉપયોગ કરીને મોટાભાગના જ્યોતિષીઓએ તેમને કમનસીબ કહેલાં અને તેમની કુંડળીને સાવ નબળી કહેલી. પરંતુ તેમનો રડમસ ચહેરો અને આત્મઘાતી વલણ જોઈ અમે તેમની કુંડળીનું તલસ્પર્શી નિરીક્ષણ કરેલું. અમે જોયું કે શનિ ભલે ભાગ્યસ્થાનના સ્વામી તરીકે બારમે બેઠો હોય પરંતુ મિથુન લગ્નમાં શનિ આઠમા સ્થાનનો સ્વામી પણ બને છે અને આઠમા સ્થાનનો સ્વામી તરીકે તે બારમે બેસે એટલે “વિપરીત રાજયોગ” થાય. આ યોગને જોઈને અમે તે ભાઈને હૈયાધારણ આપેલી અને કહેલું કે તમે થોડાંક વર્ષોમાં જ ભાગ્યશાળી બનશો.

Advertisement

અમારી આ ધારણા અને આગાહી તદ્દન સાચા પડ્યા છે કારણ કે આ ભાઈ હવે ગુજરાતનાં નામાંકિત બિલ્ડર છે. જે ભાઈની કુંડળી પ્રથમ દૃષ્ટિએ નબળી લાગતી હતી તે અતિ બળવાન બનવા પાછળનું સ્પષ્ટ કારણ વિપરીત રાજ્યોગ છે. જન્મકુંડળીના કેન્દ્ર સ્થાન અને ત્રિકોણ સ્થાનને વિષ્ણુ સ્થાન અને લક્ષ્મી દાતા સ્થાન ગણવામાં આવ્યા છે. આ સ્થાનના અધિપતિ ગ્રહો જ્યાં બેસે ત્યાં શુભ ફળ આપે છે. કુંડળીના છઠ્ઠા-આઠમા અને બારમાં સ્થાનને ખાડાના સ્થાન કે દૂષિત સ્થાન કહેવાય છે. આ સ્થાનમાં જે ગ્રહો બેસે તે ભલેને શુભ હોય કે અશુભ હોય પણ હંમેશા અશુભ ફળ આપે છે. કારણ કે છઠ્ઠુ સ્થાન રોગ-શત્રુનું, આઠમું સ્થાન મૃત્યુનું અને બારમું સ્થાન વ્યયનું છે. રોગ-શત્રુ-મૃત્યુ-વ્યય-ચિંતા આ બધા શબ્દો કયા માનવીને ગમે? આથી આ ત્રણ સ્થાનો જ્યોતિષશાસ્ત્ર અને જ્યોતિષીઓ માટે અનાથ-ઓરમાયા બાળકો જેવા છે. પરંતુ ગ્રહોની માયા અજબ અને કહાની ગજબની હોય છે. ગ્રહોની ગતિ અકળ અને લીલા ન્યારી હોય છે. પારસમણીનું નામ તો તમે સંભાળ્યું જ હશે. પારસ જ્યારે કોઈ પણ સાવ નકામા પથ્થરને અડે તો પણ કંચન (સોનું) બની જાય છે. ગ્રહોનું કામ પણ આ પારસ જેવુ છે. ક્યારેક છઠ્ઠા-આઠમા-બારમાં દૂષિત સ્થાનોને સ્પર્શીને તેમને સોના જેવા ચમકતા અને કીમતી બનાવી દે છે.

Advertisement

જ્યોતિષશાસ્ત્રનો એક સનાતન નિયમ છે કે શુભ સ્થાનના માલિક ગ્રહો જો શુભ સ્થાનમાં બેસે તો શુભ ફળ આપે અને ખરાબ સ્થાનના માલિક ગ્રહો ખરાબ સ્થાનમાં બેસે તો પણ શુભ ફળ જ આપે. અર્થાત! છઠ્ઠા-આઠમા અને બારમા સ્થાનના માલિક ગ્રહો જો છ-આઠ અને બારમા સ્થાનમાં જ બેસે તો તે શ્રેષ્ઠ ફળ આપે અને જ્યોતિષશાસ્ત્રમાં આ ઘટનાને “વિપરીત રાજયોગ” થયો એમ કહેવાય. વિપરીત રાજયોગ નામના આ યોગે જગત પર અજબ-ગજબના માણસો-હસ્તીઓ અને વિભૂતિઓને જન્મ આપ્યો છે.

Advertisement

ભારતના વૈજ્ઞાનિક સ્વ. સર જગદીશચંદ્ર બોઝની વૃષભ લગ્નની કુંડળીમાં છઠ્ઠા સ્થાનનો માલિક શુક્ર આઠમે બેસી વિપરીત રાજયોગ કરે છે. તુલા લગ્નમાં જન્મેલા મહાન વિભૂતિ મહાત્મા ગાંધીની કુંડળીમાં છઠ્ઠા સ્થાનનો માલિક ગ્રહ ગુરુ આઠમે બેસી વિપરીત રાજયોગ કરે છે. ભુતપૂર્વ અમેરિકન પ્રમુખ જહોન એફ કેનેડીની કન્યા લગ્નની કુંડળીમાં આઠમાં સ્થાનનો સ્વામી ગ્રહ મંગળ આઠમે જ બેઠો છે અને આમ વિપરીત રાજયોગ કરે છે. બેનઝીર ભુટ્ટો – જ્યોતિરાદિત્ય સિંધિયા – અરુણ જેટલી – રવિન્દ્રનાથ ટાગોર – ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. નરસિંહરાવ અને એક અલભ્ય ઉદાહરણ એટલે કે અભિનયનરેશ અમિતાભ બચ્ચનની કુંડળી પણ વિપરીત રાજયોગનું ચમત્કારિક ઉદાહરણ છે. વિપરીત રાજયોગ એ કોઈ નવું સંશોધન કે નવી બાબત નથી. ‘ઉત્તર કલામૃત’ અને ‘ફળદીપિકા’ ઉપરાંત ‘ચમત્કાર ચિંતામણી’ નામના ગ્રંથમાં મન્ત્રેશ્વરે અને વારાહે આ યોગ પર વિશેષ પ્રકાશ પાડેલો છે. જરૂર છે તો જ્ઞાનના ઉપયોગ અને જાતકની કુંડળીની પાછળ પૂરતો સમય ફાળવી તલસ્પર્શી અભ્યાસ વડે ન્યાય આપવાની વૃત્તિનો. આવો પ્રાદુર્ભાવ જ્યોતિષશાત્ર અને જાતક માટે જન્મશે ત્યારે જ જ્યોતિષની સાચી સેવા થઈ ગણાશે. એક વસ્તુ યાદ રાખજો જ્યોતિષ કોઈ સિદ્ધાંતનું શાસ્ત્ર નથી પરંતુ અવલોકન અને આંતરસુઝનું શાસ્ત્ર છે. ખાડે પડેલા ગ્રહો જોઈ ગભરાતા નહિ કારણ કે ખાડે પડેલા ગ્રહો ક્યારેક તમને પર્વતની (સફળતા)ટોચે બેસાડે છે. જ્યોતિષશાસ્ત્ર સમુદ્ર અને સાગર છે તેમાંથી એક ગાગરનું જ્ઞાન જો પ્રાપ્ત થાય તો પણ ધન્ય થઇ જવાય. જ્યાં જ્યોત છે પ્રકાશ છે અને રહેમ છે તેનું નામ જ્યોતિષ જ્ઞાન છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!