અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે. ચોરી અને હત્યા જેવી ઘટનાઓ ઘટ્યા બાદ હવે ધોળા દહાડે લુટ ની ઘટના સામે આવી છે. મોડાસા શહેરના પોશ વિસ્તાર ગણાતા માલપુર રોડ પર આવેલી ક્રિષ્ના કોર્નરમાં ત્રણ જેટલા બુકાનીધારી તત્વો આવી પહોંચ્યા હતા અને દુકાનદારને માર મારીને લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો.
પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર માલપુર રોડ ઉપર આવેલા ક્રિષ્ના કોર્નર ખાતે ત્રણ જેટલા ઈસમો આવી પહોંચ્યા હતા અને દુકાનમાં પહોંચીને ઘરની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો, જો કે મામલો બિચકતા દુકાનદાર ના માથાના ભાગે હથોડાથી ઘા કર્યો હતો જેને કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લૂંટ કરવા માટે આવેલા ઈસમોને પકડવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ ત્રણેય ઈસમો બાઈક લઈને નાસી છૂટ્યા હતા. લૂંટના ઇરાદે આવેલા શખ્સો પાસે ગન હોવાનું પણ પ્રત્યક્ષ એ જણાવ્યું હતું.
મોડાસા શહેરમાં ધોળા દહાડે થયેલી લૂંટના પ્રયાસની ઘટનાને લઈને હવે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.