આજથી શરૂ થતું નવું વર્ષ એટલે બેસતું વર્ષ. આજના દિવસે આબાલવૃદ્ધ સૌ કોઈ દેવી દેવતાના મંદિરે દર્શન માટે જતા હોય છે. ત્યારે અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી.
વિક્રમ સંવત 2079ના વર્ષ દરમિયાન યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે મંગળા આરતીમાં જ ભક્તની મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી. ભગવાન શામળિયાનો આજે સુંદર મજાનો શણગાર કરાયો હતો. ભગવાનને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા અર્પણ કરીને ભગવાનને સોળે શણગારે સજાવ્યાં હતા. ગળામાં સોનાની વરમાળા સહિત અનેક સોનાના આભૂષણોથી શામળિયો ઝળહળી ઉઠ્યો હતો. ત્યારે સોનાનો મુગટ અને મુગટની મધ્યમા સુંદર મજાનો હીરો ચમકતો હતો. આમ, ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તોએ આવનારું વર્ષ ફળદાયી નીવડે એવી પ્રાર્થના કરી હતી.
શામળાજી મંદિર ખાતે દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. દિવાળી સહિત નવા વર્ષના પર્વને લઇને જિલ્લા પોલિસ તંત્ર દ્વારા જિલ્લાની આંતરરાજ્ય સીમાઓ તેમજ મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
સમાચારોના સતતત અપડેટ્સ માટે અમારી સાથે જોડાઓ..