રાજકોટમાં કોવિડની ચોથી લહેરને પહોંચી વળતા તંત્ર સંપૂર્ણ સજજ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈઃ 150 બેડ તૈયાર રખાયા, રોજના 400 જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ થાય છે
સાત એમ્બ્યુલન્સ કાર્યરત્, નવી ત્રણ મંગાવાઈઃ પ્રતિ મિનિટ ૪૦૦૦ લીટર ઓક્સિજનનું ઉત્પાદન, 13 લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધઃ ત્રણ માસની દવાઓનો જથ્થો હયાતઃ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સથી લઈને નર્સિંગ સુધીનો પૂરતો સ્ટાફ સજ્જ
રાજકોટ, તા.27 ડિસેમ્બરઃ
કોવિડની ચોથી લહેરની સંભાવનાઓ વચ્ચે રાજકોટ જિલ્લાનું વહીવટી અને સિવિલ હોસ્પિટલ તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડ, કોવિડ ટેસ્ટિંગ, દવાઓ, ઓક્સિજન, એમ્બ્યુલન્સ સહિતની પૂરતી વ્યવસ્થાઓ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજે યોજાયેલી મોકડ્રીલમાં આ બાબતોની કલેકટરે સમીક્ષા કરી હતી.
રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી તેમજ સ્ટાફ દ્વારા આજરોજ કોવિડ સંદર્ભે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં તમામ ઉપસ્થિતોએ પહેલાં માઈક્રોબાયોલોજી લેબોરેટરીની મુલાકાત લઈને ટેસ્ટિંગ સહિતની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
બાદમાં સિવિલ હોસ્પિટલ પરિસરમાં એમ્બ્યુલન્સની ચકાસણી કરાઈ હતી. એ પછી ઓક્સિજન પ્લાટની મુલાકાત લઈને તેની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. ચૌધરી હાઇસ્કૂલ પરિસરમાં બનાવાયેલી કોવિડ ડોમ હોસ્પિટલની મુલાકાત લઈને બેડ, ઓક્સિજન વ્યવસ્થા, દવાઓ તેમજ અન્ય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના ત્રીજા માળે, ન્યૂરો સર્જરી વિભાગમાં તૈયાર કરાયેલા કોવિડના આઇસોલેશન વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તમામ સ્થિતિની વિગતો અધિકારીઓએ ઝીણવટપૂર્વક તપાસી હતી. આ મોકડ્રીલ દરમિયાન સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર. એસ. ત્રિવેદી તેમજ સ્ટાફે સિવિલ હોસ્પિટલમાં કરાયેલી તૈયારીઓથી ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ તથા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુને વાકેફ કર્યા હતા.
આ તબક્કે ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના મુજબ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી છે. રાજકોટનું વહીવટી તંત્ર તથા સિવિલ હોસ્પિટલ તંત્ર કોવિડની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. તંત્ર પાસે દવાઓ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન, બેડ, સ્ટાફ સહિતની તમામ વ્યવસ્થાઓ મોજૂદ છે. આગામી દિવસોમાં જો જરૂર પડશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરીને વધુ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવાશે. વેક્સિનનો જથ્થો રાજકોટને જલ્દી મળે તે માટે પણ રજૂઆત કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ સાત એમ્બ્યુલન્સ કાર્યરત છે અને નવી ત્રણ એમ્બ્યુલન્સ મંગાવાઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આ તકે જણાવ્યું હતું કે, જિલ્લાનું વહીવટીતંત્ર કોવિડની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આપણી પાસે હાલ કોવિડ ડોમ હોસ્પિટલમાં 100 તેમજ કોવિડ આઇસોલેશન વોર્ડમાં 50 મળીને કુલ 150 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જરૂર પડ્યે વધુ બેડની વ્યવસ્થા કરવા માટે જિલ્લ વહીવટીતંત્ર સંપુર્ણ સજ્જ છે. ઓક્સિજન માટે હાલ સાત પી.એસ.એ. પ્લાન્ટ (પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન) કાર્યરત છે. જેના થકી દર મિનિટે ચાર હજાર લીટર કરતાં પણ વધુ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. જ્યારે સ્ટોરેજ માટે 13 લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ છે.
તેમણે કહ્યું હતું કે, કોવિડની બીજી લહેર વખતે આપણી પાસે કુલ 4258 બેડની ક્ષમતા હતી અને આ તમામ બેડને જરૂર પડયે ઉપયોગમાં લઈ શકવાની વ્યવસ્થાઓ છે. સિવિલ હોસ્પિટલમાં હાલ કોવિડ માટેની તેમજ ઈમ્યુનિટી માટેની દવાઓનો ત્રણ માસનો જથ્થો ઉપલબ્ધ છે. જીનોમ સિક્વન્સિંગના નમૂના લેવાની પણ લેબોરેટરીમાં વ્યવસ્થા છે. સિવિલની લેબ દ્વારા રોજના સરેરાશ ૪૦૦ જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ થાય છે.
તેમણે કહ્યું હતું કે, હાલ કોઈ દર્દી સારવારમાં નથી. સિવિલમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સથી લઈને નર્સિંગ સહિતનો પૂરતો સ્ટાફ પણ સજ્જ છે.