રાજ્ય સરકારે જનતાની ચિંતા કરી તેમનું આરોગ્ય જળવાય તે માટે લાખો રૂપિયાનો ખર્ચો કરીને કસરત કરવા માટે જીમ આપ્યું, પણ અરવલ્લી જિલ્લાના મોડાસાની જનતા માટે આપેલ જીમ ક્યાં છે તે કોઈને ખ્યાલ નથી. કોણ વાપરે છે, સાધનો ક્યાં છે કે, તે પણ કોઈને ખ્યાલ નથી.
લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા દરવર્ષે જિલ્લાના એક તાલુકા માટે અંદાજે 22 થી 25 લાખના ખર્ચે એક જીમની ફાળવણી કરતું હોય છે, જેમાં સૌપ્રથમ મોડાસાને આ જીમ મળ્યું હતું. પણ જનતા માટે ફાળવવામાં આવેલ આ જીમ કોણ અને ક્યાં લઈ જવાયું છે તે એક સવાલ છે. સરકારે મોડાસાની જનતા માટે લાખો રૂપિયાના ખર્ચે આપેલ જીમ ક્યાં શરૂ કરાયું છે તે પણ આજ દિન સુધી કોઈને ખ્યાલ નથી, જેથી લોકો સરકારી જીમનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરે તે એક સવાલ છે.
સમાચારોની કોપી કરવી નહીં….
Advertisement
તો બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા બાયડ નગર પાલિકા વિસ્તારમાં પણ એક જીમની ફાળવણી કરી છે, પણ અહીં જીમખાનામાં ખંભાતી તાલા લાગેલા જોવા મળી રહ્યા છે અને કસરતના સાધનો ધૂળ ખાય છે, લાખો રૂપિયાના ખર્ચે સરકારે આપેલી આવા સાધનો કોણ બગાડી રહ્યું છે તે પણ એક સવાલ છે. સરકાર જનતા માટે કેટકેટલાય કામો કરે છે પણ તંત્રની અનઆવડતને કારણે આવી સાધનો ઉપયોગ કરતા પહેલા જ બગડી જતી હોય છે.
બાયડ નગર પાલિકામાં આપવામાં આવેલી જીમ અંગે પાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક કરતા જણાવ્યું કે, ટાઉન હોલ તૈયાર થઈ જાય ત્યારપછી જીમ કાર્યરત થઈ જશે.
પણ અહીં સવાલ એ છે કે, ક્યારે ટાઉન હોલ તૈયાર થશે અને ક્યારે લોકો જીમનો ઉપયોગ કરી શકશે? જ્યારે ટાઉન હોલ તૈયાર થશે ત્યાં સુધીમાં તો સાધનોને કાટ લાગી જશે અને બિનઉપયોગી પણ થઈ શકે છે. જો આવું થાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે.
આ થઈ બાયડમાં આપવામાં આવેલા સરકારી જીમની, પણ મોડાસામાં સરકારે ફાળવેલ જીમ ક્યાં છે કોણ ઉપયોગ કરે છે તે એક યક્ષ પ્રશ્ન છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં સરકારી અધિકારીઓ માટે અત્યાધુનિક જીમ લાખોના ખર્ચે તૈયાર કરાયું છે તે પણ બિનઉપયોગી બન્યું છે તો સરકારના લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરનાર કોણ?