તારીખ ૧૦ જૂનના દિવસને ‘વિશ્વ નેત્રદાન દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.દૃષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવામાં ઉમદા ઉદ્દેશ સાથે ‘વિશ્વ નેત્રદાન દિવસ’ અંતર્ગત દૃષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણ માટેની યોજનાઓ અને કાર્યક્રમો સહિત ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર માં જુનિયર સીટીઝન કાઉન્સિલ સંસ્થા દ્વારા અંગદાન સ્વીકારવામાં આવે છે અને યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિની મદદ કરી વ્યક્તિના જીવનમાં અંધકાર દૂર કરી ઉજાસ પ્રસરાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.જ્યાં વર્ષ 2022- 23 માં કુલ 15 જેટલા લોકો એ ચક્ષુ દાન કરી પુણ્ય નું કાર્ય કર્યું છે. દર વર્ષે જુનિયર સીટીઝન કાઉન્સિલ,ગાંધીનગર ખાતે 20 થી 25 જેટલા લોકો ચક્ષુદાન કરતા આવ્યા છે પરંતુ કોરોના મહામારી ના કારણે આ આંકડો ઘટયો હોવાનું જાણવા મળ્યું હતું. કીકીના રોગોને કારણે થતા અંધત્વના મુખ્ય કારણોમાં ઇજા, ચેપ, કુપોષણ, વિટામીન એ ની ખામી તથા જન્મજાત ખોડ વગેરેનો સમાવેશ થાય છે. રોગગ્રસ્ત કીકીની પારદર્શકતા ઘટી જતા દર્દીની દૃષ્ટિ ઘટી જાય છે અને અંતમાં દર્દીને દેખાતું બંધ થઇ જાય છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના પ્રમાણમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.
ગુજરાત રાજય દ્વારા વર્ષ 2022-23માં 5441 ચક્ષુદાન મેળવવામાં સફળતા મળેલ છે. રાજયમાં હાલ હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એકટ (હોટા) – 1994 અંતર્ગત 33 આઇ બેંક, 66 આઇ ડોનેશન સેન્ટર અને 06 કીકી પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત છે. રાજયમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ચક્ષુદાન સમયસર મેળવી શકાય તે હેતુસર સરકારી હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા 174 ઓપ્ટોમેટ્રીસ્ટને ચક્ષુદાન સ્વીકારવા માટેની ખાસ તાલીમ ગત ત્રણ વર્ષમાં આપવામાં આવી છે.
રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વધુને વધુ સંસ્થા ચક્ષુદાન પ્રવૃત્તિમાં ભાગીદાર થાય તે હેતુસર અનુદાનની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને સરકારી ક્ષેત્રે નવી આઇ બેંક પ્રસ્થાપિત કરવા માટે ₹40 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આઇ ડોનેશન સેન્ટરને પ્રસ્થાપિત કરવા ₹1 લાખની જોગવાઇ છે. તદ્ઉપરાંત પ્રતિ ચક્ષુદાન દીઠ આઇ બેંક અને આઇ ડોનેશન સેન્ટરને અનુક્રમે ₹2000/- અને ₹1000/- ફાળવવામાં આવે છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં પ્રથમ વખત નવતર ઉપક્રમ અંતર્ગત HMIS વેબ પોર્ટલ ઊભું કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યના તમામ આઇ ડોનેશન સેન્ટર, આઇ બેંક અને કીકી પ્રત્યારોપણ કેન્દ્રોને આવરી લેવામાં આવશે તથા ચક્ષુદાતા પાસેથી ચક્ષુદાન પ્રાપ્ત થયાથી કીકી પ્રત્યારોપણ સુધીનું Real Time Tracking કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી 3થી 4 વ્યક્તિઓને અલગ-અલગ પ્રકારની કીકી પ્રત્યારોપણની પદ્ધતિ દ્વારા દૃષ્ટિ આપી શકાય છે.
નેત્રદાન ને મહાદાન કહ્યું છે….
મૃત્યુ પામેલા વ્યક્તિ માંથી આંખ ની કીકી (કોર્નિયા ) બીજા વ્યક્તિ માં પ્રત્યારોપિત કરી શકાય છે. બાકીની આંખનો ઉપયોગ શિક્ષણ તથા રિસર્ચમાં થાય છે. નેત્રદાન કરવાથી મૃત્યુ પામેલા વ્યક્તિ બીજા બે વ્યક્તિને દ્રષ્ટિની ભેટ આપીને જાય છે. નેત્રદાનની અત્યંત તાતી જરૂર છે. કારણ કે કીકી ની ખામીના કારણે અંધાપો ધરાવતા વ્યક્તિ ની સરખામણીમાં નેત્રદાન માં મળતી આંખની સંખ્યા ફક્ત
૧૦% છે. તેના માટે નેત્રદાન સામે સાક્ષરતા ખુબ જ જરૂરી છે. આજના આધુનિક વિશ્વમાં લેટેસ્ટ ટેક્નોલોજીના કારણે નેત્રપ્રત્યારોપણ ની સર્જરી ના ખુબ જ સારા પરિણામ મેળવી શકાય છે.
નેત્રદાન કોણ કરી શકે?
મૃત્યુ પામેલા કોઈ પણ વ્યક્તિ નેત્રદાન કરી શકે છે.(કોઈ પણ ઉંમરની વ્યક્તિ ).
નેત્રદાન માટે શું કરવું ?
સૌથી પહેલા નજીકની આઇબેન્કમાં જાણ કરવી.મૃત્યુ ના છ કલાકમાં નેત્રદાન થઇ શકે છે.મૃત્યુ પામેલા વ્યક્તિ ની ગરદન નીચે ઓશીકું મૂકવું તથા આંખો બંધ કરી દેવી. જો આંખો બંધ ના થઇ શકે તેમ હોય તો ભીનું રૂ ઢાંકી દેવું તેમ કરવાથી આંખોની કીકી બગડતી નથી.રૂમમાં પંખો તથા એ.સી બંધ કરી દેવું.નેત્રદાન ની સંપૂર્ણ ક્રિયામાં ૧૦-૧૫ મિનિટ થાય છે.
નેત્રદાન અંગે ની ખોટી માન્યતા:
ચશ્મા વાળી વ્યક્તિ,મોતિયા નું ઓપેરેશન કરાવેલ વ્યક્તિ, ડાયાલીસીસ, બ્લડપ્રેશર ધરાવનાર વ્યક્તિ નેત્રદાન જરૂર કરે છે.અમારો ધર્મ અમને નેત્રદાન કરવાની પરવાનગી નથી આપતો તે તદ્દન ખોટી વાત છે.નેત્રદાન કાર્ય પછી વ્યક્તિ ના મોઢા ઉપર નિશાન રહી જાય છે અને ચહેરો બગડી જાય છે.તેવું બિલકુલ નથી થતું.