ગૌરી વ્રતના પ્રારંભ પૂર્વે હવે બજારમાં ઠેર ઠેર તૈયાર જવારા મળી રહ્યાં છે. સાથે પૂજાપાની સામગ્રીનું તૈયાર પેકિંગ બજારમાં ઉપલબ્ધ છે.મનગમતા ભરથારની પ્રાપ્તિ માટે અબીલ-ગુલાલ, અક્ષત, સોપારી, નાગલા, જવારા સહિતની પૂજા-સામગ્રીથી ગૌરી શંકરનું પૂજન કરવામાં આવે છે જે પુજપાની સામગ્રીઓનું આગમન થઈ ચૂકયું છે.
વ્રતના પાંચેય દિવસ જવારાનું કુમકુમ-અક્ષત વગેરેથી પૂજન કરીને દીવો પ્રગટાવાય છે. વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ ‘ગોરમાનો વર કેસરિયો ને નદીએ ના’વા જાય રે ગોરમા’ જેવા શિવ-પાર્વતીનાં ગીતો ગાતી ગાતી જળાશયે જાય છે, ત્યાં સ્નાન કરીને શિવાલયમાં મહાદેવની પૂજા કરાય છે.
આપણી સંસ્કૃતિમાં વર્ષોથી વ્રત, ઉપવાસ અને એકટાણાનું સવિશેષ મહત્વ રહેલું છે. સામાજિક તેમજ વ્યવહારિક જીવનની ઘરેડ અનુરુપ સમજ કેળવવા દિકરીઓ કરે છે. કયાંકને કયાંક આપણા ધર્મ સાથે વિજ્ઞાનનાં તથ્યો પણ વણાયેલા હોવાથી સ્ત્રીઓ ઉપવાસને વધારે મહત્વ આપે છે. ખાસ કરીને કુમારીકાઓ મનોવાંછિત ભરથાર મેળવવા ગૌરીવ્રત એટલે કે મોળાકત કરે છે. નાની બાળાઓ હોંશે હોંશે આ વ્રત કરે છે.
ગૌરીવ્રત મોળાકત વ્રતના નામથી પણ ઓળખાય છે. આ વ્રતને અષાઢ મહિનામાં 5 દિવસથી વધુ સમય સુધી ઉજવાય છે. ગૌરી વ્રત શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી ગુરૂ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે.
ગૌરી વ્રત 2023 તારીખ (પ્રારંભ) – ગુરુવાર, 29 જૂન, 2023
ગૌરી વ્રત 2023 તારીખ (સમાપ્તિ) – સોમવાર, 03 જુલાઈ, 2023
જયા પાર્વતી વ્રત 2023 તારીખ – શનિવાર, 1 જુલાઈ, 2023
1 જુલાઈ 2023 શનિવાર થી આ વ્રતની શરૂઆત થશે અને 5 જુલાઈ 2023 બુધવારે પુરૂ થશે.
જવારા શા માટે ?
અષાઢ સુદ એકાદશીનો દિવસ નજીક આવે તે સાથે જ આજે તો બજારમાં ઠેર ઠેર લીલાછમ જવારા નજરે પડવા લાગે છે. આજે તો માત્ર ગૌરી વ્રતમાં જ બાળાઓ જવારાની પૂજા કરતી હોય છે. પરંતુ, મૂળે તો બંન્ને વ્રતમાં જવારા પૂજનની પરંપરા રહેલી છે. કારણ કે વાસ્તવમાં તો આ જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે ! એટલું જ નહીં, તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે. અષાઢ મહિનો એટલે તો વરસાદનો મહિનો અને હરિયાળીનો મહિનો. જેના પ્રતિક રૂપે જ વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે. સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડવામાં આવે છે.
નાગલાનું રહસ્ય
રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે. શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતી મૃત્યુંજયા છે. અને પછી આ શિવ રૂપી નાગલા પાર્વતી રૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા બાદ જવારાની પૂજાનો મહિમા છે. એટલે કે શિવ અને શક્તિ બંન્નેની સંયુક્ત પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે.
મોળાકત વ્રત
પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે. માટે જ આ વ્રતને મોળાવ્રત કે મોળાકત વ્રત કહેવામાં આવે છે.
જવારાનું વિસર્જન
વ્રતના પાંચમા દિવસે જવારાનું જળાશયમાં વિસર્જન કરવાની પ્રણાલી છે. વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસે પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ, તેની ઉજવણી કરવામાં આવે છે. ગૌરીવ્રતમાં બાળાઓને, જ્યારે જયા પાર્વતી વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ કે સૌભાગ્યવંતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિન્હોનું દાન કરવામાં આવે છે