અષાઢ મહિનો એટલે તો વ્રત,તપ અને જપનો મહિનો. અષાઢ મહિનાની અગિયારસ થી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. જ્યારે, અષાઢ સુદ તેરસથી થાય છે જયા પાર્વતી વ્રતની શરૂઆત. ગૌરીવ્રત કુમારિકાઓ, જ્યારે જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવંતી નારીઓ બંન્ને કરે છે. માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા વરની પ્રાપ્તિ થાય છે. તો સૌભાગ્યવંતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ભિલોડા તેમજ ધનસુરા તાલુકામાં કુવારિકાઓ દ્વારા ગૌરીવ્રતનો તેરસ થી જવારા ઉગાડીને પૂજા કરી વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કુવાંરિકાઓએ જવારા વાવી ગોરના વ્રતનું પૂજન કર્યું હતું.જે પાંચમાં દિવસે પૂર્ણ થશે. બાળકીઓએ ઉપવાસ કરી મંદિરમાં પૂજન કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા.
શિવપુરાણની કથા મુજબ પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. ત્યારે ગૌરી વ્રતમાં જ જવારા પૂજન કરવામાં આવે છે.