કહેવાય છે કે, મન હોય તો માંડવે જવાય, આ કહેવાત સાચી કરી છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામની નિરમા ઠાકોરે. નિરમા ઠાકોરની પસંદગી બ્લાઈન્ડ ફૂટબોલ પ્રતિયોગિતા માટે પસંદગી થતાં સમગ્ર પંથકમાં ખુશી વ્યાપી છે. તેમના પરિવારમાં માતા, દાદી મોટી બહેન છે, તેમના પિતાનું બે વર્ષ પહેલા ટૂંકી માદગી બાદ નિધન થતાં આર્થિક પરિસ્થિતિ વિકટ બની હતી, હાલ તેમની માતા પણ બિમાર છે, અને નાનુ મોટુ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
નિરમા ઠાકોર પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને હાલ તેઓ બી.એડ. નો અભ્યાસ અમદાવાદ ખાતે કરી રહ્યા છે. આ સાથે જ સાથે તેઓ છેલ્લા દોઢ વર્ષથી બ્લાઈન્ડ ફૂટબોલની રમતમાં જોડાયેલા છે. તેમણે બે વાર નેશનલ, એકવાર ઝોનલ અને એક વાર જાપાન સાથે રમી ચૂક્યા છે.આવતા મહિનામાં યુકે માં યોજાનારી બ્લાઈન્ડ ફૂટબોલની ટુર્નામેન્ટમાં 8 દેશ જોડાવાના છે, જેમાં ભારત તરફથી નિરમાનો પણ સમાવેશ થયો છે.. નિરમાને વિશ્વાસ છે કે, ભારત સારૂ પ્રદર્શન કરશે અને તેની ઇચ્છા છે કે, તે પેરા ઓલિમ્પિકમાં પણ જાય.
નિરમા જણાવે છે કે, જ્યારે તે અંધજન મંડળમાં અભ્યાસ કરતી હતી ત્યારે ત્યાં ફૂટબોલ રમતા ખેલાડીઓનો ઉત્સાહ જોઈને તેને પણ બ્લાઈન્ડ ફૂટબોલ રમવાની ઇચ્છા થઈ હતી,, અને ત્યારબાદ ફૂટબોલમાં આગળ વધી હતી. તેઓ બ્લાઈન્ડ હોવા છતાં ઘરના કામ સરળતાથી કરી શકે છે અને પરિવારજનોને પણ મદદ કરે છે,,, જ્યારે બહાર જવાનું થાય ત્યારે કોઈની મદદ લેતા હોય છે, અથવા તો સ્ટીકનો ઉપયોગ કરે છે.
આર્થિક પરિસ્થિતિ સારી નથી
નિરમા ઠાકોરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, ઘરના મોભી તરીકે કોઈ પુરૂષ ન હોવાથી ત્રણેય મહિલાઓ પર જીવન નિર્વાહનો આધારે ટકેલો છે, માતા મજૂરી માટે જાય છે તો દાદી ઘર નજીક એક નાની દુકાન કરી છે, જેથી થોડો ટેકો થઈ જાય. માતાની તબિયત સારી ન રહેતી હોવાથી કેટલીય તકલીફો પડી રહી છે ત્યારે નિરમા ઠાકોર માટે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવાની તક મળતા પરિવારમા ખુશી પ્રસરી છે.
પેરા ઓલિમ્પિકમા રમવાની છે ઈચ્છા
નિરમાની પસંગદી હાલ આંતરાષ્ટ્રીય બ્લાઈન્ડ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી જિલ્લાનું ગૌરવ ગણાવ્યું હતું. નિરમાની હવે ઈચ્છા છે કે, તેઓ આગામી દિવસોમાં પેરા ઓલિમ્પિકમા રમે. આ માટે તે અથાગ મહેનત પણ કરી રહી છે.
બ્લાઈન્ડ હોય કે પછી દિવ્યાંગ, આવી વ્યક્તિઓમાં કુદરતે આપેલી એક બક્ષિસ હોય છે જેથી તેઓ કોઈપણ ક્ષેત્રે આગળ સરળતાથી વધી શકે છે, પણ આ લોકો તેમની મહેનતથી આગળ વધે છે, પણ તંત્ર દ્વારા તેઓ માટે કોઈ વ્યવસ્થા કે પછી આગળ વધવા માટેનો કોઈ માર્ગ બતાવતા નથી, જેથી આવા ખેલાડીઓ બહાર આવી શકતા નથી. પણ જ્યારે આવા ખેલાડીઓ તેમની મહેનતથી આગળ આવે અને નામ ઉછળવા લાગે ત્યારે જશ લેવા માટે અધિકારીઓ અચાનક પ્રગટ થઈ જતાં હોય છે, તે ન થવું જોઈએ..