વિજયસિંહ સોલંકી, મહિસાગર
મહિસાગર જીલ્લાના બાલાશિનોર ખાતે આવેલી આઈસીઆઈસીઆઈના બેંકના બ્રાન્ચ મેનેજર વિશાલ પાટીલના મર્ડર વીથ લુંટના ગુનાના ભેદને જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે માત્ર 12 કલાક જેટલા ટુંકા સમયગાળામા ઉકેલી કાઢ્યો હતો.આ મામલે આરોપી હર્ષિલ પટેલની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી પાસેથી લુંટ કરવામા આવેલી રકમ 1.17 કરોડની રકમ,એક પિસ્તોલ,મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.હત્યા કરનારો હર્ષિલ પટેલ મેનેજર વિશાલ પટેલનો મિત્ર હતો.મેનેજર પોતાની ક્રેટા કારમાં ખાતાધારકોની રૂપિયા 1.17 કરોડની રોકડ રકમ લઈને દાહોદ જતા હતા. અને મેનેજર મિત્ર હર્ષિલ પટેલને પણ સાથે બેસાડ્યો હતો. કારમાં એક કરોડ ઉપરાંતની રકમ હોવાની જાણ થતા નિયત બગડતા હર્ષિલ પટેલે પોતાના પાસે રહેલી પિસ્તોલમાંથી બેંક મેનેજરને માથાના ભાગે ગોળી મારી નિર્મમ હત્યા કરી નાખી હતી. અને લાશને જંગલ વિસ્તારમાં ફેકી દઈ કારમા રહેલા કરોડો રૂપિયા લઈ લીધા હતા અને કારને આગ ચાંપી દીધી હતી.આ મામલે સંતરામપુર પોલીસ મથકે ગુનો નોધાતા વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મેનેજરની કાર સળગી ,મેનેજર અને કરોડોની કેસ ગુમ થતા પોલીસ તપાસ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર સ્થિત ICICI બેન્કની સબ બ્રાન્ચમાં બેન્ક મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલ 4 ઓક્ટોબરે વિશાલ પોતાની ક્રેટા કારમાં બેન્કના ખાતાધારકોએ જમા કરાવેલા રૂ. 1.17 કરોડ કેશ લઇ દાહોદ સ્થિત મેઇન બ્રાન્ચમાં જમાં કરાવવા માટે નીકળ્યા હતા.અને ગાડી દાહોદ પહોચી નહોતી અને ફોન સ્વીચઓફ આવતો હતો.અને ક્રેટા કાર સંતરામપુર તાલુકાના ગોધર ગામ પાસે હાઈવે માર્ગ પર સળગેલી હાલતમા મળી આવી હતી.બેન્ક મેનેજર ગુમ હોવાથી અને કરોડોની રકમ પણ મળી ન આવી હોવાથી મહિસાગર પોલીસ દ્વારા ગંભીરતા સમજીને એસઓજી,એલસીબી,અને સ્થાનિક પોલીસને સાથે રાખીને બનાવને ડિટેક્ટ કરવા સુચના આપી હતી.
શકંમદ હર્ષિલ પટેલને પોલીસે પુછ્યુ તારા વાળ કેમ બળી ગયા છે અને સનસનીખેજ ખુલાસો
મહિસાગર જીલ્લા એલસીબીની ટીમ પણ આ મામલે તપાસમાં હતી તે સમયે બાતમી મળી હતી કે ગોઠીબ ગામનો હર્ષિલ ધર્મેન્દ્રભાઈ પટેલ આ બનાવ બન્યો તે દિવસ દરમિયાન તે મૃતક બેંક મેનેજરના સંપર્કમાં રહ્યો હતો.આથી તેને પુછપરછ માટે બોલાવામા આવ્યો હતો.તે સમયે પોલીસને ધ્યાને આવ્યુ કે હર્ષિલના માથાના વાળ અને દાઢીના વાળ બળી ગયા છે. આથી પોલીસની શંકા વધુ મજબુત બની અને હર્ષિલની કડકાઈથી પુછપરછ કરતા તેને સમગ્ર બાબત પોલીસની સામે પોપટની જેમ કહી નાખી હતી.
એક કરોડ જેટલી મોટી રકમ કારમાં હોવાની જાણ થતા હર્ષિલની દાનત બગડી અને..
મૃતક બ્રાન્ચ મેનેજર અગાઉ દાહોદ તાલુકાના લીમખેડા તાલુકા પાણીયા ગામની બેંકમાં નોકરી કરતા હતા.આરોપી હર્ષિલના માતા પિતા પણ શિક્ષક તરીકે ત્યાના નજીકના ગામમા નોકરી કરતા હતા. આ દરમિયાન વિશાલ પાટીલ અને હર્ષિલ પટેલ એકબીજાના સંપર્કમા આવ્યા હતા. અને બંનેના ફેમિલી વચ્ચે પણ સારા સંબધો હતા. મેનેજર પોતાની ક્રેટા કારમાં ખાતાધારકોની રૂપિયા 1.17 કરોડની રોકડ રકમ લઈને દાહોદ જતા હતા. જ્યાં રસ્તામાં વિશાલને તેનો મિત્ર હર્ષિલ પટેલ મળ્યો હતો. વિશાલ આટલી મોટી રકમ લઇ એકલો જતો હોવાથી હર્ષિલ પણ તેની સાથે કારમાં બેસી ગયો હતો. કારમાં સવાર હર્ષિલની નજર અચાનક લોખંડની પેટીમાં ભરેલી રૂ. 1.17 કરોડની રોકડ રકમ ઉપર પડી હતી. જેથી તેની દાનત બગડી અને તેને આ રૂપિયા લૂંટી લેવાનો પ્લાન ચાલુ ગાડીમાં જ ઘડી નાખ્યો હતો. આમ સાંજના સાત વાગ્યાની આસપાસ કડાણા રોડ પર પહોંચતા લઘુશંકા કરવા માટે વિશાલે સુમસામ જગ્યાએ ગાડી રોકી હતી. હર્ષિલને કેશની લૂંટ કરવી હતી જેથી તેણે પ્લાન તો ઘડી નાખ્યો હતો અને હવે તેને મોકો પણ મળી ગયો હતો. વિશાલ કારમાંથી બહાર ઉતરતા જ હર્ષિલે પોતાની પાસે રાખેલી પિસ્તોલ પાછળથી વિશાલના માથામાંજ ગોળી મારી દીધી હતી. લોહીમાં લથબથ વિશાલના મૃતદેહને જંગલની ઝાડીઓમાં ફેંકી હર્ષિલે રૂ. 1.17 કરોડ રૂપિયા સાથે લઈ જઈ ક્રેટા કારને પણ સળગાવી દીધી હતી.હત્યા કરવા માટેની પિસ્તોલ તેને મધ્ય પ્રદેશમાંથી ખરીદી હોવાની વિગત પોલીસ તપાસમા આવી છે.
મહિસાગર જીલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજાએ જીલ્લા એસપી કચેરી ખાતે એક પત્રકાર પરિષદ યોજીને માહીતી આપી હતી. વધુમા આ મામલે આરોપી હર્ષિલ પટેલને સંતરામપુર પોલીસને સોપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.