સમગ્ર રાજ્યમાં સ્પા ના નામે ગોરખધંધાઓ ચાલી રહ્યા છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી જોકે હજુ કેટલીય જગ્યાએ સ્પા ની આડમાં ગોરખધંધાઓ ચાલી રહ્યા છે પણ પોલિસ અને તંત્ર આંખ આડા કાન કરતી હોય તેવું સ્પષ્ટ લાગે છે. અરવલ્લી જિલ્લામાં મહિલા અધિકારીઓ ક્યારે કાર્યવાહી કરે છે તેના પર હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કિશોરી મેળાનું આયોજન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલાઓ માટેના આ કાર્યક્રમમાં શિક્ષણવિદ મહિલાઓ તેમજ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી. ભાજપ નેતા અને મોડાસા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વનીતાબહેન પટેલે મહિલાઓ માટે જાહેરમંચ પરથી વાતો કરી હતી, આ વચ્ચે તેમણે સ્પા ની આડમાં ચાલતા ગોરખધંધાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં મોડાસા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વનીતાબહેન પટેલે જણાવ્યું કે, કલેક્ટર અને પોલિસ વડા મહિલા છે, તેમણે આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ. સ્પા ની આડમાં ચાલતા ગોરખધંધાઓ પર લગામ લગાવવી જોઈએ, જિલ્લાના લોકો તેમજ મહિલાઓ એ દિવસની રાહ જોઈ રહી છે, કે એક દિવસ સ્પા બંધ થઈ જશે, પણ ક્યારે…
આ પહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કડક સૂચનો આપ્યા હતા, તેમ છતાં હજુ જિલ્લામાં આ પ્રકારના દૂષણો દિવસે ને દિવસે વધતા હોય તેવું સ્પષ્ટ લાગે છે ત્યારે સ્પા અને ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધા ક્યારે બંધ થશે તે સવાલ છે. પોલિસ અને તંત્ર બંન્ને આ બાબતે ચૂપકિદી સાધી હોય તેવું પણ સ્પષ્ટ લાગે છે, કારણ કે, મહિલા અગ્રણીઓ જાહેર મંચ પરથી પોતે આ બાબતે કંઈક કહેતા હોય તો કાર્યવાહી થવી જ જોઈએ.