લેખક : ડૉ. સંતોષ દેવકર, કેળવણીકાર
કાંતિભાઈ હીરાભાઈ પટેલ એટલે કે કાંતિકાકા.
કેટલાકના મોઢે તો માત્ર કાંતિ હીરો એવું પણ સાંભળેલું છે.
મોટેભાગે દૂધ જેવી સફેદી વાળો વ્હાઈટ શર્ટ અને પેન્ટ અને કાળા બુટમાં કાંતીકાકા સજ્જ હોય. પાતળી કાઠીવાળું કસાયેલું શરીર, ભાવપૂર્ણ આંખો,નિશ્ચયત્મક ચહેરો, મક્કમ ચાલ કાંતિ હીરો ભર બજારે ચાલતા જાય અને કેમ ભઈ? કેમ છો? બધાની ખબર પૂછતા જાય. જ્યાં નાહવા નીચોવવાનો ય સંબંધ ન હોય ત્યાં કાંતિકાકા મદદરૂપ થવા માટે દોઢસો ટકા તૈયારી સાથે બેઠા હોય!
મોડાસા પંથકની અનેક નામી – અનામી નાની-મોટી સંસ્થાઓમાં કાંતિકાકા એ દાનની સરવાણી વહાવી છે.
બાળક કાંતિએ બાળપણમાં જ મા-બાપની છત્રછાયા ગુમાવી દીધેલી. છેવટે મામા પાસે ઉછર્યો. મામાની નાનકડી દુકાન-જેમાં વસ્તુઓ વેચવામાં મામાને મદદ કરે. મામીનો સ્વભાવ મામા જેવો સુંવાળો નહીં, તેથી કાંતિને ભોજનને બદલે મેણા-ટોણા ખાવા પડે .
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ બાળક પણ કિશોર અવસ્થામાં પગરણ માંડતો થયો. જમીન જાગીર હતી નહીં.તેથી ખેત મજૂર તરીકે શરૂઆત કરી. બાળક કાંતિ મહેનતુ તો પહેલે થી હતો જ, ધીરે ધીરે નસીબે પણ યારી આપી.
શરૂઆતે અડધો વિઘો પછી એક વિઘો ને પછી તો ધીરે ધીરે…… કહેવાય છે ને કે
“મંઝિલે ઉનકો મિલતી હૈ જીનકે સપનો મે જાન હોતી હૈ ”
નાનકડા કાંતિના મગજમાં પૈસાદાર થવાનું બીજ રોપાયું.એ આગળ વધતો ગયો, મહેનત કરતો ગયો. કિસ્મતે યારી આપી. શિક્ષણ ભલે ઓછું પણ કાંતિ વ્યવહાર કુશળ અને કેળવાયેલો હતો. જમીનો ખરીદતો થયો, સ્કીમો પાડતો થયો. ધીરે ધીરે કાંતિ, કાંતિકાકાના હુલામણા નામથી ઓળખાતો થયો.
લોકોને એ કહેવાની ફરજ પડી કે સાચે જ આ હીરાભાઈનો હીરો છે.
મોડાસાની અનેક સંસ્થાઓમાં ખુલ્લા દિલે દાન આપનાર કાંતિકાકા મોડાસા પંથકમાં ભામાશા તરીકે જાણીતા થયા. મને કહે …”જુઓ સંતોકભાઈ આપણે રિયા અભણ માણહ ….મુન કાંઈ ન આવડે.”
” કાકા, તમે અભણ નથી. કોઈ યુનિવર્સિટીનું સર્ટી ભલે તમારી પાસે નથી .પણ તમે પોતે જ એક યુનિવર્સિટી છો. શૂન્ય માંથી સર્જન કરનાર કાંતિકાકાનું જીવન પ્રેરણાથી ભરપૂર છે.
કહેવાય છે ને કે
Simple living and high thinking .
મહેનત નહીં પણ સખત મહેનત, પ્રમાણિકતા, કામ પ્રત્યેની નિષ્ઠા જેવા ગુણોના તેઓ માલિક હતા.
કાંતિકાકા જે સંસ્થામાં સેક્રેટરી તરીકે રહ્યા છે, તે તમામ સંસ્થાઓને તેમની સાત્વિક પ્રતિભાનો લાભ મળ્યો છે. સન્માન અને આદર આપવાની તેમની એક અનોખી પદ્ધતિ હતી. દરેકને માનથી બોલાવતા. આચાર્યને તો મારા સાહેબ મારા સાહેબ કહીને પોખતાં.
કાંતીકાકા એક પ્રેરણાત્મક જીવન જીવી ગયા. અનેક સંસ્થાઓના દાતા અને મોડાસાની સંસ્થાઓને આર્થિક સહયોગથી તરબતર કરનાર, પોતાના સ્વભાવથી માણસને પોતાનો કરનાર, ખભે હાથ મૂકીને મુશ્કેલી પૂછનાર અને તેને હલ કરનાર પોતાની તળપદી ભાષાથી સૌને પોતાના કરનાર, મૃદુભાષી તથા મિતભાષી છતાં આખાબોલા કાંતિકાકા હવે નથી.
કાંતિકાકા હતાશ-નિરાશ થઈ ગયેલા માણસમાં રસ લઈને તેનું જીવન આશાસ્પદ બનાવી દેતા. નાના હતા ત્યારે દિલદાર શબ્દ ભણવામાં આવતો પણ એવી ક્યાં ખબર હતી કે દિલદાર શબ્દના અર્થને જાણવા માટે કાંતિકાકાને મળવું પડશે.
હવે તેઓ આ દુનિયામાં નથી અને
ભલે સુકીભટ્ટ વાડીમાં જન્મ્યા અને ઉછર્યા હોય પણ પોતાની મહેનત અને પ્રમાણિકતાથી તેઓએ જતી વખતે તેમના સંતાનો-અનિલ અને કલ્પેશ માટે લીલીછમ વાડી મૂકી છે. કાંતિભાઈ એ દાન આપેલી અનેક સંસ્થાઓ પૈકી
કાંતિભાઈ હીરાભાઈ પટેલ એમ.એડ. કોલેજ તેમજ કે. એચ. પટેલ અનુસ્નાતક કેન્દ્ર, કોમર્સ કોલેજ આ બંને સંસ્થાઓ મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના કેમ્પસમાં આવેલી છે.
એમનો આર્થિક સહયોગ મેળવ્યો હોય તેવી અનેક સંસ્થાઓ તેમના લીલાછમ સંસ્મરણો વાગોળતી રહેશે.
કાંતિકાકાનો આત્મા જ્યાં હશે ત્યાં ખૂબ સુકુનમાં રહેશે. એટલેજ કહી શકાય કે ભગવાનને ફરજ પડશે કાંતિકાકાને એક વિશિષ્ટ જગ્યા આપવાની.
એક અદના ખેડૂત,પ્રેમાળ, સહ્રદયી,પરિશ્રમી, પ્રમાણિક, નિષ્ઠાવાન અને કેળવાયેલા સૌના પ્રિય કાંતિકાકા હૃદય અંજલિ સ્વરૂપે સૌના હૃદયમાં હંમેશને માટે રહેશે.