12 ડિસેમ્બર, નવી દિલ્હી: યુનેસ્કો દ્વારા માનવતા અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ થયાય બાદ, દેશ-વિદેશમાં ગુજરાતના ગરબાનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. આપણા દેશના ગૌરવ સમાન આ વારસાને વિશ્વસ્તરે નામના મળ્યા બાદ, તેની ખુશીમાં અલગ અલગ દેશોમાં ભારતીય દૂતાવાસે છેલ્લા અમુક દિવસો દરમિયાન ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
ન્યુયૉર્કમાં ભારતના કૉન્સ્યુલેટ જનરલે ‘ક્રૉસરોડ્સ ઓફ ધ વર્લ્ડ’ ખાતે ગરબા સમારોહનું આયોજન કર્યું હતું. અમેરિકાના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં ભારતીય મૂળના લોકોની સાથે સ્થાનિક લોકો પણ ગરબા નૃત્ય કરતા જોવા મળ્યા હતાં. વૉશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું “ભારતીય સમુદાયે યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં નારીની દિવ્યતાને દર્શાવતા પરંપરાગત ગરબા નૃત્યને સામેલ કરવાની ઉજવણી કરી”
બીજી તરફ મેક્સિકો શહેરમાં ભારતીય એમ્બેસી અને ગુરુદેવ ટાગોર ઈન્ડિયન કલ્ચરલ સેન્ટરે ઈન્ડિયન એમ્બેસી ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ગરબા પરફોર્મન્સ સાથે ફ્લેશ મોબનું આયોજન કર્યું હતું. ભારતીય પ્રવાસી કલાકારો અને સાંસ્કૃતિક કેન્દ્રના વિદ્યાર્થીઓએ ગરબા ફ્લેશ મોબમાં ભાગ લીધો હતો.
નામિબિયામાં હાઈ કમિશનના સાંસ્કૃતિક હૉલમાં ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકોએ ભાગ લીધો હતો. ત્રિનિદાદ અને ટોબેગોમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફોર કલ્ચરલ કો-ઓપરેશન ખાતે ગરબા અને દાંડિયા પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય પ્રવાસીઓ, ખાસ કરીને ગુજરાતી સમુદાયે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઉપરાંત રશિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, આઈસલેન્ડ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, બોત્સ્વાના, ભૂટાન, પોર્ટુગલ, આર્મેનિયા, સ્કૉટલેન્ડ, મ્યાનમાર, વેનેઝુએલા, વિયેતનામ, ટ્યુનિશિયા, કોલંબિયા, જેદ્દાહ, ફ્રેન્કફર્ટ, ઝિમ્બાબ્વે, વ્લાદિવોસ્તોક, હ્યૂસ્ટન, માલ્ટા, અંગોલા, બિરગંજ, UAE, તુર્કીયે, નામીબિયા, બહેરીન, સીરિયા, કેન્યા, યુગાન્ડા, જીબુટી, લેબેનોન, કંબોડિયા, કતાર, પનામા, મેડાગાસ્કર, ડેનમાર્ક, યુક્રેન, ચેક રિપબ્લિક, ઝામ્બિયા, ઉઝબેકિસ્તાન, ઇરાક, ઇજિપ્ત, એટલાન્ટા, ટોરોન્ટો, ક્યુબા, ચિલી, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બેલ્જિયમ વગેરે દેશોમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભારતીય સમુદાયના સભ્યોએ ગરબા પરફોર્મન્સ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કોએ ‘ગુજરાતના ગરબા’ને આંતરરાષ્ટ્રીય માન્યતા આપીને તેને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (ICH- અમૂર્ત સાંસ્કૃતિક વારસો) તરીકે જાહેર કરી છે. ICH ના સંરક્ષણ માટેની સમિતિની 18મી બેઠક દરમિયાન 2003ના સંમેલનની જોગવાઈઓ હેઠળ ગરબાનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.