અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી પર કડક કાર્યવાહી થઈ રહી છે તો બીજી બાજુ હવે શિયાળાની કડકડતી ઠંડીનો લાભ તસ્કરો લઈ રહ્યા છે. રાત્રીના સમયે ચોરીની ઘટનાઓ ઘટી રહી છે જ્યારે ધોળા દિવસે ચેઈન સ્નેચર્સ ગેંગ સક્રિય થઈ છે. મોડાસાના પાવનસિટી વિસ્તારમાં ડીપી રોડ પર આવેલી યમુનાનગર સોસાયટી નજીક ધોળાદિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા બે શખ્સોએ મહિલાના ઘર નજીકથી જ દોરો કાપી લઈને પલાયન થઈ ગયા, મહિલા બૂમો પાડતી રહી પણ ત્યાં સુધીમાં બાઈક સવાર શખ્સો પલાયન થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, મેઘરજ રોડ થી પાવનસિટી વિસ્તારમાં ડીપી રોડ પસાર થાય છે જ્યાં યમુના નગર સોસાયટી નજીક અનસૂર્યાબહેન પંચાલ તેમના ઘરેથી બહાર આવ્યા હતા, ત્યાં પાવનસિટી રોડ પરથી બાઈક સવાર બે લોકો આવ્યા અને મહિલાના ગળામાંથી દોરો ખેંચીને ગણતરીની સેકંડમાં છૂ થઈ ગયા અને માલપુર રોડ તરફ બાઈક દોડાવી મુકી હતી. દોરો ખેંચાતા જ મહિલાએ બૂમા-બૂમા કરી હતી, જોકે એકાદ બે લોકો આવ્યા, પણ ત્યાં સુધીમાં બાઈક સવાર ત્યાંથી ભાગી ગયા હતા.
મોડાસાના યમુનાનગર સોસાયટી નજીક બનેલી આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં બાઈક સવાર ઈસમ મહિલાને જોઈને બાઈક ધીમુ કરે છે અને ત્યારબાદ દોરો ખેંચીને પલાયન થઈ જાય છે. ચેઈન સ્નેચિંગની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, હવે આ ચેઈન સ્નેચર્સ પોલિસની પકડમાં ક્યારે આવશે તે એક સવાલ છે.