જૂની પાદરડી પ્રા.શાળા ખાતે શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રીના ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય ગણિત દિન’ અંતર્ગત 136 મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારે શ્રીનિવાસ રામાનુજન વિશે જણાવતાં કહ્યું હતું કે, ચેન્નઈથી 400 કિમીના અંતરે ઈરોડમાં જન્મેલા. તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તેઓ મિત્રો પાસેથી ઉછીના પુસ્તકો લઈને વાંચીને 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણ બન્યા હતા. ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે આશરે 3900 જેટલા ગાણિતિક કોયડાના ઉકેલો શોધ્યા હતા. 1904 માં ગણિતમાં વિશે યોગદાન બદલ ‘રંગનાથ રાવ’ પુરસ્કાર મળ્યો હતો. તેમની વૈશ્વિક પ્રતિભાની ઓળખ બનાવવામાં અંગ્રેજ પ્રો.હાર્ડીનો મોટો ફાળો હતો. તેમના કાર્યથી પ્રભાવિત થઈ બ્રિટનની રોયલ સોસાયટીએ વર્ષ 1918 માં ફેલોશીપ આપી હતી. આ સન્માન મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેમને ‘સંખ્યાના જાદુગર’ પણ કહેવામાં આવે છે. તેઓ બીમાર હતા ત્યારે પ્રો.હાર્ડી મળવા આવ્યા ત્યારે તેમની ગાડીનો નંબર 1729 હતો. તેમને કહું કે આ એક એવો આંકડો છે જે રીતે બે અલગ અલગ સંખ્યાનો ઘનનો સરવાળો (10×10×10) + (9×9×9) = 1729 અને (12×12×12) (1×1×1) = 1729 ત્યારથી આ નંબર ગણિતમાં રસ ધરાવનારા માટે અગત્યનો બની ગયો. રામાનુજનના સંશોધનો મુખ્યત્વે સંખ્યા ગણિત, અપૂર્ણાંકો, પ્રમેયો, વિધેયો વગેરે ક્ષેત્રોમાં હતાં. જ્યારે કમ્પ્યૂટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધીની ગણતરી માટે રામાનુજનનાં જ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામાનુજને કોઈ મદદ વિના હજારો ગાણિતિક પરિણામોનાં સૂત્રોને સમીકરણોનાં સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણાં મૌલિક હતાં, જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થીટા ફંક્શન વગેરે. તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hyper geometric series and Jeta Functionotl કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. મૃત્યુ પહેલાં પણ માંદગી હોવા છતાં તેઓ ગણિતમાં જ ખૂંપેલા રહ્યા. તે સમયે તેમણે q-series પર કામ કર્યું પણ તેની બહુ મોડેથી ખબર પડી. તેમની એ નોટબુક અચાનક જ મળી અને એનું સંકલન અલગ Lost Notebookને નામે કરવામાં આવ્યું છે. તેમણે રજૂ કરેલ રહસ્યમય ડેથબેડ થિયરી તેમનાં મૃત્યુનાં 100 વર્ષ બાદ સાચી પડી છે. જેનો ઉપયોગ બ્લેક હોલની થિયરી સમજવા માટે કરવામાં આવ્યો છે.
26 એપ્રિલ, 1920ના રોજ માત્ર 33 વર્ષની વયે કુમ્બનમ ખાતે તેમનું અવસાન થયું હતું.
આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢીને ગણિત શીખવા માટે પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવા અને તેમનામાં સકારાત્મક વલણ કેળવવા માટે પહેલ કરવામાં આવે છે. આ દિવસે શિબિરો દ્વારા ગણિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગણિત અને સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન માટે શિક્ષણ-પ્રશિક્ષણ સામગ્રી (TLM) ના વિકાસ, ઉત્પાદન અને પ્રસારને પ્રકાશિત કરવામાં આવે છે.
શાળા કક્ષાએ શ્રીનિવાસ રામાનુજન વિશે વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય, ગાણિતિક કોયડા ઉકેલવા, ગાણિતિક મોડેલ કે રમકડાં બનાવવાં, ગાણિતિક સૂત્રો/સમીકરણોની પોસ્ટર મેકીંગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ગણિત શિક્ષક રણજીતસિંહ બારીઆએ પણ વિશેષ સહકાર આપ્યો હતો. શાળાના આચાર્ય સુશીલાબેન પટેલે સૌને ‘રાષ્ટ્રીય ગણિત દિન’ની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ શાળા પરિવાર સદર કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક જોડાયો હતો