આખું જગત સ્પર્ધાત્મક ભાવે સોયાબીન વેચવાની રેસમાં ઉતાર્યું
ભારત જો અન્ય તેલોને બદલે સોયાઓઇલની આયાત વધારશે તો આખી દુનિયાની ટ્રેડ પેટ્રન જ બદલી નાખશે
ફન્ડામેન્ટલી જોઈએ તો આર્જેન્ટિના પણ બજારનું પથદર્શક બની રહેશેAdvertisement
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૮:
દક્ષિણ અમેરિકામાં વરસાદના સમાચારે સોયાબીનના મંદિવાળાઓએ બજાર પરની પકડ મજબૂત કરી નાખી છે. બ્રાઝિલમાં અત્યાવશ્યક વરસાદ અને આગામી દિવસોમાં પણ હવામાન ભીનું રહેશે એવી આગાહીને પરિણામે યીલ્ડ (ઊપજ)ની ચિંતાઓ હળવી થતાં, શુક્રવારે શિકાગો સોયાબીન વાયદો સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડા તરફ આગળ વધ્યો હતો. સીબીઓટી સોયાબીન વાયદામાં કોમોડિટી ફંડો નેટ સેલર બન્યા હતા, પરિણામે માર્ચ વાયદો સાપ્તાહિક ધોરણે ૩.૨ ટકા ઘટ્યો હતો, સપ્ટેમ્બર ૨૦૨૩ પછીથી આ સૌથી મોટો ઘટાડો હતો. વિશ્વના સૌથી મોટા સોયાબીન નિકાસકાર બ્રાઝીલના અસંખ્ય ઉત્પાદક રાજ્યોમાં છેલ્લા કેટલાંક દિવસથી વરસાદને પગલે શુક્રવારે અમેરિકન બજારમાં વાયદો ૧.૪૮ ટકા ઘટીને ૧૨.૫૦ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) બંધ થયો હતો.
ગત મહિને વાયદો ૫.૩ ટકા ઘટ્યો હતો. પાંચ ડિસેમ્બરના ૧૩.૨૬ ડોલરથી ઘટીને ૧૨.૫૦ ડોલર સુધી આવી ગયો હતો. છેલ્લા બાવન સપ્તાહમાં સૌથી નીચો ભાવ ૩૧ મે ૨૦૨૩ના રોજ ૧૧.૫૯ ડોલર નોંધાયો હતો. આખું જગત સ્પર્ધાત્મક ભાવે સોયાબીન વેચવાની રેસમાં ઉતાર્યું છે ત્યારે, જો યીલ્ડ સ્થિર થઈ જશે તો સોયાબિન ખરીદનારાઓને નિકાસ વેપાર બ્રાઝિલથી ખસેડીને અમેરિકામાં લઈ જવો પડશે.
એક ગ્રેન બ્રોકરે કહ્યું કે, સોયાબીન બજારમાં હાલમાં આ જ સ્થિતિ છે અને તેથી જ ભાવ ઘટી રહ્યા છે. તમને જ્યારે આવા ઉલટાપુલતા સમાચારમાં વહન કરીને વિચાર કરતાં હોવ ત્યારે પ્રશ્ન થાય કે શું ખુબજ વરસાદ પડશે અને ભાવને વધુ નીચા ધકેલશે? શું વાવેતરના આરંભિક સ્તરે દુષ્કાળ જેવી સ્થિતિ હતી, એવું પણ પૂછવાનું મન થાય. આ બ્રોકર કહે છે કે ટૂંકાગાળામાં આ બધુ સ્પષ્ટ થઈ જશે. અત્યારે તો નજીવું રીએક્શન આવ્યું છે. જો તમે ટ્રેડર કે ફંડ મેનેજર હોવ તો તમારે હવામાનની તમામ ગતિવિધિ પર નજર રાખવી પડશે, જે અત્યારે મંદીના સંકેત આપે છે, અથવા હવામાનના આખા નકસાને જોઈએ તો, સોયાબીન વાવેતરની આખી સિઝન મંદીના સંયોગો દાખવે છે.
ભારત ખાધતેલનો સૌથી મોટા વપરાશકારોમાનો એક દેશ છે જે આ આખી ઘટના પર નજર રાખીને બેઠો છે. જો તે અન્ય તેલોને બદલે સોયાઓઇલની આયાત વધારશે, તો આખી દુનિયાની ટ્રેડ પેટ્રન જ બદલી નાખશે. જાગતિક સોયઓઇલના ડાયનેમિક્સ બદલાય તો, ભારત પણ વ્યુહાત્મક રીતે નીચા ભાવનો લાભ લેવા, સોયાતેલની સપ્લાયમાં મોટાપાયે વૃધ્ધિ કરશે. સનફ્લાવર તેલના સ્પર્ધાત્મક અને ઊંચા ભાવ તેમજ પૂરતો સ્ટોક રાખવા આરંભિક રીતે જ ભારતીય રિફાઇનારો પણ સોયાતેલ ખરીદવામાં ઉતાવળ કરી શકે છે. બજાર અત્યારે ૧૨ જાન્યુઆરી રજૂ થનાર અમેરિકન કૃષિ મંત્રાલયના ત્રિમાસિક અમેરિકન ગ્રેન સ્ટોક તેમજ માસિક માંગ પુરવઠાના અહેવાલની રાહ જોઈ રહ્યું છે.
ફન્ડામેન્ટલી જોઈએ તો આર્જેન્ટિના પણ બજારનું પથદર્શક બની રહેશે, ૨૦૨૪માં તે અમેરિકન કૃષિમંત્રાલયના વર્તમાન અનુમાન પ્રમાણે ૪૮૦ લાખ ટન પાક લઈને બજારમાં ઉતરશે, સિઝન અંત સુધીમાં આ આંકડો વધી શકે છે. આર્જેન્ટીનાના સ્થાનિક સૂત્રો કહે છે કે ૮૬ ટકા વાવણી પૂરી થઈ ગઈ છે, ગતવર્ષે આ સમયે ૯૪ ટકા વાવેતર પૂર્ણ થયું હતુ. પાકની તંદુરસ્તી ગત સપ્તાહ કરતાં સુધરીને ૪૨ ટકા ગુડ ટુ એક્સેલન્ટ છે. આર્જેન્ટિનામાં પરંપરાગત લણણી એપ્રિલ અને મેમાં થતી હોય છે. બ્રાઝીલના મુખ્ય વાવેતર વિસ્તાર મધ્ય પશ્ચિમના રાજ્યોમાં ખાસ કરીને અલ-નીનોની અસરને કારણે આખરી ઉત્પાદકતા અત્યારે હેક્ટર દીઠ ૩.૫૦૭ કિલો અંદાજીને ૨૦૨૩-૨૪નું સોયાબીન ઉત્પાદન, ગત અનુમાન ૧૫૮૨.૩ લાખ ટનથી ઘટીને ૧૫૧૩.૬ લાખ ટન આવશે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૮-૧૨-૨૦૨૩