હિંમતનગરમાંથી અલગ અલગ સ્થળોએ તસ્કરોએ નિશાન બનાવી રૂા. ૧.૨૩ લાખના મોબાઈલ અને વાહનની ચોરી
હિંમતનગરના ટાવર પાસેના શાક માર્કેટ તેમજ બસ સ્ટેન્ડ નજીકથી બે ઈસમોના રૂા.૧.૦૮ લાખની કિંમતના બે મોબાઈલ ફોન અને બસ સ્ટેન્ડ સામેની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મુકેલ રૂ. ૧૫ હજારની કિંમતનું મોપેડ એક્ટિવા ચોરાઈ જતા ચોરીની ત્રણે અલગ અલગ ઘટનાઓ સંદર્ભે ફરિયાદ નોંધાવતા બી.ડિવિઝન પોલીસે રૂ. ૧.૨૩ લાખના ચોરીના ત્રણે ગુના નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોબાઈલ ફોન ચોરીની પ્રથમ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર મહાવીરનગરની પન્ના પાર્ક સોસાયટીમાં રહેતા અને શેર બજારનો વ્યવસાય કરતા હિતેષભાઈ જયસ્વાલ શનિવારે ટાવર નજીકના શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા દરમ્યાન તેઓ લારી ઉપરથી શાકભાજી લેતા હતા તે દરમ્યાન કોઈ તસ્કરે નજર ચુકવી શર્ટના ખીસ્સામાંથી રૂ.૧ લાખની કિંમતનો આઈ ફોન મોબાઈલ કાઢી ચોરી જતા તેમણે મોબાઈલ ચોરીની ઘટના અંગે સોમવારે બી. ડિવિઝનમાં ફરીયાદ નોંધાવી હતી.
મોબાઈલ ચોરીની બીજી ઘટનામાં ઈડર તાલુકાના ભદ્રેસરના રહીશ હિતેષભાઈ ચાવડા શનિવારે હિંમતનગરના બસસ્ટેશન પાછળના વિસ્તારમાં કામ અર્થે આવ્યા બાદ તેમનું કામ પૂર્ણ કરી પકોડી ખાવા ગયા હતા તે દરમ્યાન ગઠિયાએ નજર ચૂકવી શર્ટના ખીસ્સામાંથી રૂા. ૮ હજારની કિંમતનો મોબાઈલ ચોરી રફુચક્કર થઈ ગયો હતો. જે ચોરીની ઘટના સંદર્ભે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
ચોરીની ત્રીજી ઘટનામાં હિંમતનગરના બસ સ્ટેન્ડ સામેની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મુકેલ હોન્ડા કંપનીનું મોપેડ એકટીવા નંબર GJ-01-JX-5316 કિંમત રૂ.૧૫ હજારનું કોઇ વાહન ચોર દ્વારા ચોરી કરી રફુચક્કર થઈ જતાં એકટીવાની શોધખોળ કરવા છતા મળી ન આવતા વાહન ચોરીની ઘટના સંદર્ભે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણે ગુનાને અંજામ આપનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.