ગુજરાત રાજ્યમાં સહકારી માળખામાં વહીવટદારો અને હોદ્દેદારો દ્વારા ગોબાચારી થવાના અનેક કિસ્સાઓ વારંવાર બહાર આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બાયડ તાલુકાની ઇન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીમાં બનતાં ઓડિટ રિપોર્ટ બાદ સાઠંબા પોલીસ મથકે વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાની ઇન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીમાં સહકારી ઓડીટરો દ્વારા હિસાબો ઓડિટ કરવામાં આવતાં તા. 01. 04. 2021 થી 31.3.2022 સુધીના સમયગાળાનું ઓડિટ કરવામાં આવ્યું હતું.
જેમાં ઇન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીના રોજમેળના પાના નંબર 70 મુજબ તા. 15.9. 2022 ના રોજ ઉઘડતી સિલક રૂપિયા 9. 39 લાખ ઓછી પડતાં આ કામના આરોપી ઇન્દ્રાણ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરી સોમસિંહ રૂપસિંહ સોલંકીને આ અંગે ખુલાસો માગી નાણાં રજુ કરવા જણાવતાં સેક્રેટરી સોમસિંહ 9.39 લાખની રકમ રજુ નહી કરી શકતાં અને આ રકમ તેઓએ પોતાના અંગત કામમાં વાપરી હોવાની લેખિતમાં કબુલાત કરતાં ઓડિટરના રિપોર્ટના આધારે ઈન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીના ચેરમેન ડાહ્યસિહ મગનસિંહ ચૌહાણ રહે.(પટેલની ઈન્દ્રાણ) , ઈન્દ્રાણ તા બાયડ એ સાઠંબા પોલીસ મથકે સેક્રેટરી સોમસિંહ રૂપસિંહ ચૌહાણ રહે. ઇન્દ્રાણ કંપા તા. બાયડ સામે ઇન્દ્રાણકંપા ગ્રુપ સેવા સહકારી મંડળીમાં 9.39 લાખ રૂપિયાની કાયમી નાણાંકીય ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવતાં સાઠંબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.