અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલે જીલ્લાના પોલીસ તંત્રને ભાગેડુ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપ્યા બાદ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા માટે કટિબધ્ધ બન્યું હોય તેમ મેઘરજ પોલીસના ચોપડે નોંધાયેલો વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ આરોપીને ધનસુરા પોલીસે ધનસુરા બસ સ્ટેશન વિસ્તારમાંથી દબોચ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ ધનસુરા પોલીસ મથકના ઇન્ચાર્જ ડીવાયએસપી વાગિશા જોશીના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલીસ ધનસુરા પોલીસ માટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધનસુરા બસ મથક વિસ્તારમાં એક વ્યક્તિ શંકાસ્પદ લાગતો તેની પૂછપરછ હાથ ધરતાં તેણે પોતાનું નામ રાહુલ નિલેશભાઈ સુથાર ઉં.વ.૨૬.રહે.નોબલનગર ,ખોડિયાર નગર વિભાગ ૩. મુળ રહે. સરદારનગર, તા મહેમદાવાદ જી ખેડાનો હોવાનું જણાવતાં પોલીસે તેમની પાસેના ઈ પોકેટકોપ મોબાઇલ ફોન દ્વારા સદર ઈસમનુ નામ સર્ચ કરતાં મેઘરજ પોલીસ મથકના ૨૦૨૨ ના પ્રોહિબિશનના ગુનાનો આરોપી હોઈ છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો જેથી સીઆરપીસી કલમ ૪૧(૧)આઈ મુજબ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે મોડાસા રૂરલ પોલીસને હવાલે કરવામાં આવેલ છે.