મંડળ પાસે કોઈ નક્કર દસ્તાવેજો ન હોવાથી અરજદારે ચેરિટી કચેરી કેસ દાખલ કર્યો
શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળના ગેરબંધારણીય વહીવટનો મામલો ફરીથી ગરમાયો છે. અરજદાર દ્વારા મદદનીશ ચેરીટી કમીશ્નર, હિંમતનગરને ચાર મહિના અગાઉ લેખિત રજુઆત પછી પણ ઉકેલ આવ્યો નથી જ્યારે વર્તમાન હોદ્દેદારોની મુદત વર્ષ ૨૦૨૦માં પુરી થઈ હોવા છતાં સમાજની સામાન્ય સભા બોલાવી બંધારણ અધિકૃત કરવાની કે નવા હોદ્દેદારોની વરણી અંગે કોઈ કાર્યવાહી નહિ કરવી અને બિનઅધિકૃત રીતે વહિવટ કરી ફંડ-ફાળા ઉઘરાવી ઔચિત્યનો ભંગ કર્યો છે. જેથી બિનઅધિકૃત પ્રમુખ અને મંત્રીને સામાન્ય સભા બોલાવી બંધારણ અધિકૃત કરવા તેમજ નાણાંકીય વહેવારો સ્થગિત કરવા રજુઆત કરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ભિલોડાના અરજદાર કૌશિક પી. સોનીએ અગાઉ સાબરકાંઠા મદદનીશ ચેરીટી કમીશ્નર તેમજ સંયુક્ત ચેરીટી કમીશ્નર, મહેસાણા સમક્ષ વાંધા અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ, ટ્રસ્ટ રજીસ્ટર નંબર એ/૨૩૫ સાકાંની નોંધણી થયેલ સદર કામે ટ્રસ્ટનું કોઈ બંધારણ નથી કે ટ્રસ્ટનું કોઈ રેકર્ડ નથી તેવી વિગતો આર.ટી.આઈ મુજબ માંગી હતી ત્યારે હિંમતનગરની ચેરિટી કચેરીમાં મંડળનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી તેવું જણાવતા અને મંડળ પાસે પણ કોઈ રેકોર્ડ ન હોવા છતાં આ કામના અરજદારે જીતેન્દ્રલાલ ચંદુલાલ સોની સમાજને ધ્યાને રાખ્યા સિવાય કે સમાજને જાણ કર્યા સિવાય એકતરફી પોતાના મળતીયા માણસોને સાથે રાખી તથા સમાજને અંધારામાં રાખી બંધારણ માટે હાલની સ્કીમ અરજી દાખલ થઈ છે જે સામે અમારો સખત વાંધો છે અને સદર કામે અમને સાંભળવા અને વાંધા રજુ કરવા માટે પક્ષકાર તરીકે જોડી યોગ્ય રજુઆત માટેની તક આપવા માંગ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી ફરી એકવાર ભિલોડાના કૌશિક પી. સોની અને હિંમતનગર હેમંત હર્ષદલાલ સોનીએ ધી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ સને-૧૯૫૦ની કલમ ૫૦(એ) (૧) હેઠળ શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ, મૂળ-હિંમતનગર સુવ્યવસ્થિત, વહીવટ, વ્યવસ્થા અને સંચાલન માટે સ્કીમ કરવા માટેની રજૂ કરેલ અરજી ગ્રાહ્ય રાખી યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે સૂચિત ટ્રસ્ટીઓના નામ પ્રથમ ટ્રસ્ટીઓ તરીકે સ્કીમ યોજના હેઠળ નિમણુંક કરવા દાદ માંગી છે જેમાં ૨૯ સભ્યોનો સમાવેશ કરવાની માંગ કરી છે.
બોકસ આઈટમ
મંડળમાં દસ્તાવેજો વગર ગેરબંધારણીય વહીવટ ચાલી રહ્યો છે.
અરજદાર કૌશીક સોનીએ જણાવ્યું કે સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળમાં હાલના બિનઅધિકૃત પ્રમુખ જીતેન્દ્રકુમાર સી. સોની અને મંત્રી જન્મેજયભાઈ જી.સોની પાસે બંધારણ, પી.ટી આર. સહિતના કોઈ જ દસ્તાવેજ ઉપલબ્ધ નથી અને મનસ્વી રીતે ગેરબંધારણીય વહીવટ ચલાવી રહ્યા છે.ત્યારે અરજદારે મહેસાણા ખાતેની ચેરિટી કચેરીમાં ગેરબંધારણીય વહીવટને રોકવા તથા દસ્તાવેજો માટે કેસ દાખલ કરેલ છે.