વિશ્વ વિભૂતિ, ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૩ મી જન્મ જયંતિની ઉજવણી ટીંટોઈ ગામ ખાતે ખુબ ઉત્સાહ અને ઉલ્લાસભેર રીતે ઉજવવામાં આવી. જેમાં ટીંટોઈ ગામના વડીલો, માતાઓ, સાથી મિત્રો, બહેનો તથા નાના ભૂલકાઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બાબા સાહેબ આંબેડકરન133મી જન્મ જયંતી નિમિત્તે ગામના ચોકમાં પ્રસ્થાપિત ડૉ. બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના ૫:૦૦ કલાકે ભીમ શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં ખુબ મોટી સંખ્યામાં અનુસુચિત જાતિ સમાજ તથા ગ્રામજનો જોડાયા હતા. તેમજ રાત્રીના ૯:૦૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ હતું. જેમાં સરકારી નોકરીમાંથી વય નિવૃત થયેલ મહાનુભાવોનું તથા નવ નિયુક્ત કર્મચારીઓનુ ગ્રામજનો તથા ડો. આંબેડકર યુવા ઉત્સવ સમિતિ, ટીંટોઈ દ્વારા પુષ્પ ગુચ્છ, સાલ તથા શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નાના ભૂલકાઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરી ગ્રામજનો સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત સૌએ તાલીઓના ગડગડાટથી વધાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો.બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ, ટીંટોઈ દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લે સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.