
‘તો સૂર્ય ઉગશે કેવી રીતે?’ એક મરઘીએ ચિંતા વ્યક્ત કરી.
‘અરે..બાપરે..હવે શું થશે?’
મરઘાની નાતમાં સોપો પડી ગયો હતો.બધી મરઘીઓ ચિંતામાં પડી ગઈ હતી.’ભવિષ્યમા શું થશે?’ની ચિંતા બધાને કોરી ખાતી હતી.મરઘાને કૂકડાના એક મોટા વાડામા ચિંતાનુ વાતાવરણ ફેલાઇ ગયુ હતુ.કારણ વાડામા મુખ્ય કૂકડો માંદો પડ્યો હતો. રોજ સવારે કૂકડે કૂક બોલવાનુ તેનુ મહત્વનુ કામ હતુ. કૂકડે કૂક બોલતાની સાથે જ ગામ આખું જાગી જતુ હતુ.ગામને જગાડનારની તબિયત આજે લથડી હતી.
અન્ય કૂકડા તેમજ મરઘીઓને થયુ કે કાલે સવારે આપણા રાજા કૂકડે કૂક નહિ બોલી શકે તો સૂરજ ઊગશે કેવી રીતે? મરઘા-મરઘીની નાતમા એક માન્યતા દૃઢ હતી કે ‘કૂકડો બોલે છે માટે જ સવાર થાય છે.’
બીજે દિવસે કૂકડાની તબિયત વધારે ખરાબ થઈ. એ બાંગ પોકારી શક્યો નહિ,છતાંય સૂર્ય તો પોતાના સમયે રોજની જેમ ઉગ્યો.સવાર પડ્યું. મરઘા મરઘીઓની વર્ષો જુની માન્યતા તૂટી. બધા પોત પોતાના કામે લાગ્યા.તેઓ અત્યાર સુધી એક વહેમમા જીવતા હતા કે આપણો કૂકડો બાંગ પોકારે પછી જ સૂરજ ઊગે,સવાર થાય અને આખુ જગત કામે લાગે.
કૂકડો બોલે ને સવાર થાય કે સવાર થાય ને કૂકડો બોલે? વર્ષો સુધી જુદા જુદા વહેમ પોષાતા રહે છે.

મારા સિવાય આ ઓફિસ કોણ ચલાવશે? હું નહિ પહોંચુ તો….હું નહિ હોઉ તો…. હું નહિ કરુ તો… શેરબજારનુ શુ થશે? આ સરકાર કેવી રીતે ચાલશે?
મારા થકી જ બધુ ચાલે છે. હું નહિ હોઉ તો….તો બહુ મોટો અનર્થ થઈ જશે.મોટી ઉથલ પાથલ મચી જશે. મનના કોઇક ખૂણે ‘હું છુ તેથી જ તો આ બધુ થાય છે’ નો વહેમ લઈને જીવતો રહે છે.પરિણામે જરુર ન હોય તેવી જગ્યા એ પહોંચે છે અને ન કરવાનુ કરે છે. કોઇ ના ન જવાથી કોઇ લગ્ન અટકી પડ્યાનુ સાંભળ્યુ છે? કોઇ ટ્રેન,પ્લેન કે પછી કોઇ ફિલ્મનો શો અટકી પડ્યાનુ જાણ્યુ છે!

હું છુ તો સૂરજ આથમે છે ને ચંદ્ર ઉગે છે. હું છુ તેથી જ તો આ તંત્ર ચાલે છે ને મંત્ર ઉચ્ચારાય છે.મારા વગર કાઇ શક્ય છે? મારે જ કરવુ પડશે,હું પહોંચુ નહિ ત્યાં સુધી કોઇ કામ થશે જ નહિ! સમારંભમા મારી હાજરી નહિ હોય તો? જેવી ચર્ચાઓ વહેતી મુકી આભાસી મહત્વ ઉપસાવવાની ભારે ટેવ પડી ગઈ હોય છે. આવા લોકોને અખો બરાબરના ચાબખા મારે છે: ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.’
જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. સાચુ પૂછોતો આ વિશ્વમા કોઇના વગર કોઇ કામ અટકતુ જ નથી.ઉલટાનુ એવું બને કે તેની ગેરહાજરીમા કામ કદાચ વધુ ચોટદાર અને અસરકારક બની શકે!
હું આ જગતમા એક મુસાફર છુ.મારે મારુ કાર્યક્ષેત્ર દીપાવવાનુ છે અને મારુ સ્ટેશન આવ્યે ઉતરી જવાનુ છે.જે સમય મળ્યો છે તેમા ઉત્કૃષ્ટ કામ કરી બતાવવાનુ છે.મારી હાજરી વગર પ્રત્યેક કાર્યક્રમ મોળો જ રહેશે એવા કેફમા ન રહેતા સમજી જવાનુ છે કે આ વિશ્વમા મારુ અસ્તિત્વ નહોતુ ત્યારે અને અસ્તિત્વ છે ત્યારે અને મારુ અસ્તિત્વ નહિ હોય ત્યારે પણ આ જગત ચક્ર અટક્યા વગર સતત ચાલવાનુ જ છે. એક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે કે કોઇના વગર કાઇ અટકતુ નથી.
મારા વગર આ જગતનું શું થશે એવી ચિંતા કરનારાઓથી કબ્રસ્તાન ઉભરાઈ રહ્યું છે.
આપણા ભાગે જે કર્મ આવ્યું છે તેને ન્યાય આપીએ અને મસ્ત કરીને બતાવીએ. ડૉ. સંતોષ દેવકર
મિસરી
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઇ ગઈ.
ઓજસ પાલનપુરી
Advertisement