37 C
Ahmedabad
Saturday, May 4, 2024

દક્ષિણ ગુજરાતમાં મોદી-મોદી, 5 જિલ્લાને 3 હજાર કરોડની વિકાસ કાર્યોની ભેટ આપતા પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને સૌપ્રથમ તેઓ નવસારી પહોંચ્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે તેમને આવકાર્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલથી વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને સુરત એમ પાંચ જિલ્લાના આદિવાસી પંથકને ફાયદો થાય તેવા રૂ.3,050 કરોડની વિવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. જેમાં 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, 12 પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન સામેલ છે. આ પ્રોજેક્ટ્સથી આ પ્રદેશમાં પાણી પુરવઠાને સુધારવામાં, કનેક્ટિવિટી વધારવા અને જીવનની સરળતા વધારવામાં મદદ થશે.

Advertisement

નવસારીમાં પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત કરવામાં આવેલા સંવાદમાં સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજનાં લોકોને સંબોધતા કહ્યું હતું કે, ગરીબોનું જીવન સુધરે અને તેમને સરકારી યોજનાઓનો વધુને વધુ લાભ મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે.

Advertisement

છેલ્લા બે દાયકામાં થયેલો ઝડપી અને સર્વસમાવેશક વિકાસ અને આ વિકાસમાંથી જન્મેલી નવી આકાંક્ષા એ ગુજરાતનું ગૌરવ છે. ડબલ એન્જિન સરકાર નિષ્ઠાપૂર્વક આ ભવ્ય પરંપરાને આગળ ધપાવી રહી છે. તેમણે કહ્યું કે આજના પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં સરળતા લાવશે.

Advertisement

પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે કેવી રીતે 8 વર્ષ પહેલા ગુજરાતની જનતાએ તેમને દિલ્હી મોકલ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લાં 8 વર્ષમાં સરકાર લોકો અને પ્રદેશોના ઘણા નવા વિભાગોને વિકાસ પ્રક્રિયા અને આકાંક્ષાઓ સાથે જોડવામાં સફળ રહી છે. તેમણે યાદ કર્યું કે કેવી રીતે એક સમય હતો જ્યારે ગરીબ, વંચિત, દલિત, આદિવાસીઓ, મહિલાઓ અને અન્ય સંવેદનશીલ વર્ગો તેમનું આખું જીવન ફક્ત મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં જ વિતાવતા હતા. અગાઉની સરકારોએ વિકાસને પોતાની પ્રાથમિકતા બનાવી ન હતી. મોટાભાગના જરૂરિયાતમંદ વર્ગો અને વિસ્તારો સુવિધાઓથી વંચિત હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 8 વર્ષમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રને અનુસરીને, તેમની સરકારે ગરીબોના કલ્યાણ પર, ગરીબોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા પર સૌથી વધુ ભાર મૂક્યો છે. હવે, તેમણે આ કાર્ય ચાલુ રાખ્યું અને સરકારે કલ્યાણકારી યોજનાઓના સંતૃપ્તિ દ્વારા ગરીબોના 100 ટકા સશક્તિકરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે. પ્રધાનમંત્રીએ મુખ્ય મંચ પર પહોંચતા પહેલા આદિવાસી સમુદાયોના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, જનતા અને લાભાર્થીઓ સાથેનો સંપર્ક વિકાસ માટે સમર્થનને નવી ગતિ આપે છે.

Advertisement

ગુજરાતીમાં બોલતા પ્રધાનમંત્રીએ સ્થાનિક લોકો સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યા હતા. જ્યારે તેઓ આ પ્રદેશમાં કામ કરતા હતા ત્યારે તે સમય દરમિયાનના લોકોના આતિથ્ય અને સ્નેહને તેમણે યાદ કરીને કહ્યું, “તમારા સ્નેહ અને આશીર્વાદ મારી શક્તિ છે”. વધુમાં તેમણે કહ્યું કે, આદિવાસી સમુદાયના બાળકોને તમામ સંભવિત તકો મળવી જોઈએ અને તેમનામાં સ્વચ્છતા, સંગઠન અને શિસ્તના ગુણોની નોંધ લેવાવી જોઈએ. તેમણે આદિવાસી લોકોમાં સામુદાયિક જીવન અને પર્યાવરણ સંરક્ષણના મૂલ્યોની પણ વાત કરી હતી. તેમણે આદિવાસી વિસ્તારોમાં પાણી સુનિશ્ચિત કરવા માટેના તેમના કામની પણ વાત કરી. 3 હજાર કરોડ રૂપિયાથી વધુની આજની યોજનાઓ અગાઉના દિવસોથી તદ્દન વિપરીત છે જ્યારે પાણીની ટાંકીના ઉદ્ઘાટન જેવી નાની બાબત પણ હેડલાઈન્સમાં આવતી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

Advertisement

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સતત કલ્યાણ અને વિકાસના પ્રોજેક્ટ લાંબા સમયથી તેમની શાસન શૈલીનો ભાગ છે અને આ પ્રોજેક્ટ્સ લોકોના કલ્યાણ અને ગરીબ કલ્યાણનો હેતુ છે અને તે કોઈપણ ચૂંટણીલક્ષી વિચારણાથી પર છે. ગમે તેટલા દુર્ગમ વિસ્તારમાં રહેતા દરેક ગરીબ, દરેક આદિવાસી સ્વચ્છ પાણી મેળવવાનો હકદાર છે, તેથી જ આવા મોટા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવે છે. શિલાન્યાસ અને ઉદ્ઘાટન બંને તેમના દ્વારા કરવામાં આવે છે તે પ્રધાનમંત્રીની વિશેષતા છે. પ્રોજેક્ટને સમયસર પૂરો કરવા માટે વર્ક કલ્ચરમાં મોટા પાયે ફેરફાર કરાયા છે. “અમે સરકારમાં હોવાને સેવા કરવાની તક તરીકે ગણીએ છીએ”, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. અમે પ્રતિબદ્ધ છીએ કે, જૂની પેઢી દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે સમસ્યાઓનો સામનો અમારી નવી પેઢીને કરવાનો ન થાય. તેથી જ આ યોજનાઓ, સ્વચ્છ પાણી, બધા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરી છે. તેમણે એ સમયને યાદ કર્યો જ્યારે આ પ્રદેશમાં એક વિજ્ઞાન શાળા પણ ન હતી જ્યારે હવે મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓ આવી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, વ્યવસાય, કનેક્ટિવિટી સંબંધિત યોજનાઓ દ્વારા સૌથી દૂરના વિસ્તારોમાં જીવન બદલાઈ રહ્યું છે. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા બદલ ડાંગ જિલ્લા અને દક્ષિણ ગુજરાતની પણ પ્રશંસા કરી હતી. માતૃભાષામાં શિક્ષણ, તબીબી અને એન્જિનિયરિંગ જેવા ટેકનિકલ અભ્યાસક્રમો માટે પણ ઓબીસી, આદિવાસી બાળકો માટે તકો ખોલશે. તેમણે વન બંધુ યોજનાના નવા તબક્કાના અમલ માટે રાજ્ય સરકારની પણ પ્રશંસા કરી હતી.

Advertisement

પ્રધાનમંત્રીએ તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે રૂ.961 કરોડની 13 પાણી પુરવઠા યોજનાઓનું ભૂમિપૂજન કર્યું હતું. તેમણે નવસારી જિલ્લામાં લગભગ રૂ.542 કરોડના ખર્ચે નિર્માણ થનારી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ કર્યું હતું, જે પ્રદેશના લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવામાં મદદ કરશે.

Advertisement

પ્રધાનમંત્રીએ લગભગ રૂ.586 કરોડના ખર્ચે બનેલા મધુબન ડેમ આધારિત અસ્ટોલ પ્રાદેશિક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તે પાણી પુરવઠાના એન્જિનિયરિંગ કૌશલ્યોની અજાયબી છે. ઉપરાંત, રૂ.163 કરોડના ‘નલ સે જલ’ પ્રોજેક્ટ્સનું પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું સલામત અને પૂરતું પાણી પૂરું પાડશે.

Advertisement

પ્રધાનમંત્રીએ તાપી જિલ્લાના રહેવાસીઓને વીજળી પૂરી પાડવા માટે રૂ.85 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા વીરપુર વ્યારા સબસ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ગંદા પાણીના શુદ્ધિકરણની સુવિધા માટે રૂ.20 કરોડના મૂલ્યના 14 MLDની ક્ષમતાવાળા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ નવસારીમાં રૂ.21 કરોડથી વધુના ખર્ચે બનેલા સરકારી ક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પિપલાઈદેવી – જુનેર – ચિચવિહિર – પીપલદહાડથી બાંધવામાં આવેલા રસ્તાઓ અને ડાંગમાં લગભગ રૂ.12 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી શાળાની ઇમારતોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

Advertisement

પ્રધાનમંત્રીએ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે રૂ.549 કરોડની 8 પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. નવસારી જિલ્લામાં રૂ.33 કરોડના ખર્ચે નિર્માણ થનાર ખેરગામ અને પીપલખેડને જોડતા પહોળા રસ્તાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. નવસારીથી બારડોલી વાયા સુપા વચ્ચે આશરે રૂ.27 કરોડના ખર્ચે અન્ય ચાર માર્ગીય રસ્તો બનાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ જિલ્લા પંચાયત ભવનના નિર્માણ માટે અને ડાંગમાં અનુક્રમે રૂ. 28 કરોડ અને 10 કરોડના ખર્ચે રોલર ક્રેશ બેરિયર પૂરા પાડવા અને ફિક્સ કરવા માટે શિલાન્યાસ પણ કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!